News Portal...

Breaking News :

ઓમર સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો

2024-10-19 18:46:36
ઓમર સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો



જમ્મુ :
 કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને ગુરુવારે (17 ઓક્ટોબર) જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ ઉપરાજ્યપાલ દ્વારા આજે (19 ઓક્ટોબર) તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે. 



મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરૂઆત હશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે. 



ઓમર અબ્દુલ્લા ચૂંટણીમાં જમ્મુ- કાશ્મીરની વિશિષ્ટ ઓળખ અને લોકોના બંધારણીય અધિકારોની સુરક્ષાના વચનો આપીને સત્તામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ સંબંધમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને મળવા થોડાક દિવસોમાં દિલ્હી જશે.

Reporter: admin

Related Post