આખા શહેરને ફાયર સુરક્ષાના નામે નોટિસ પાઠવવા નીકળેલી પાલિકાને કોણ નોટિસ આપશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચેકીંગ કરીને જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય તેઓને નોટિસ પાઠવવામાં આવે છે અથવા તો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પાલિકા કચેરી જ સુરક્ષિત નથી
કચેરીમાં જ લગાવાયેલ ફાયર સેફટીના સાધનો સુસજ્જ નથી. જયારે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો ત્યારે મહાનગર પાલિકામાં ફાયર સેફ્ટીના યંત્રો અને સિસ્ટમ પાઇપો સાથે લગાવવાનું કામ શરું કરવામાં આવ્યું હતું. કવિ દલપતરામની એક સુપ્રસિદ્ધ કવિતા છે 'ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા હાલમાં આવો જ ઘાટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.આખા શહેરમાં ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવી રહી છે અને તેઓને નોટિસ આપવામાં આવી રહી છે.પરંતુ પાલિકા આ જ કવિતાની અંતિમ ઉક્તિ ભૂલી ગયુ છે કે અન્યનું તો એક વાંકું આપણા અઢાર છે' પાલિકામાં જ એટલી મોટી ખોટ જોવા મળી રહી છે તે દેખાતું નથી.
પાલિકામાં કે જ્યાં મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર તમામ હોદ્દેદારો બેસે છે ત્યાં જ ફાયર સેફટીના યંત્રો પૂરતા પ્રમાણમાં ન હતા.જો કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શહેરમાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા ત્યારે આજે કચેરીમાં ફાયર સેફ્ટીના યંત્રો અને સિસ્ટમ પાઇપો સાથે લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી.પાલિકાના ફાયર વિભાગ દ્વારા જે સંસ્થાઓ પાસે ફાયરના પૂરતા સાધનો નથી તેઓને નોટિસ આપવામાં આવી રહી છે અથવા તો સીલ મારવામાં આવી રહયું છે ત્યારે પાલિકા કચેરીને નોટિસ કોણ આપશે? શું પાલિકા કચેરી એ લોકોની અવર જ્વરથી સતત ધમધમતી કચેરી નથી? ત્યાં કોઈ હોનારત ન થઇ શકે? પાલિકા તંત્ર સુધારાની શરૂઆત પોતાના ઘરથી જ કરે તે ઇચ્છનીય છે.પાલિકાની વડી કચેરી ખાતે જ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો હતો.
Reporter: News Plus