અમદાવાદ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.
જોકે, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 એપ્રિલના રોજ તીવ્ર હીટવેવ રહી શકે છે. જ્યારે 9 એપ્રિલે પણ હીટવેવ અનુભવાઈ શકે છે. 8થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાઇ વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
કચ્છ સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ અનુસાર આજે પણ કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. આગામી 48 કલાક રાજ્યમાં ગરમીથી કોઇ મોટી રાહત અનુભવાશે નહીં ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હીટવેવના પગલે કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
Reporter: admin