2 કર્ણાટકના હસનના સાંસદ અને પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દૈવેગોડાના પ્રપૌત્ર પ્રાજવલ રેવાનાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સેક્સ સ્કેન્ડલ હોવાની ટીકા થઈ રહી છે અને આના લીધે કર્ણાટકનું રાજાકરણ ગરમાયું છે. કૉંગ્રેસ શાસિત કર્ણાટક સરકારે એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની પણ રચના કરી છે. આ કેસનો મુખ્ય આરોપી એનડીએનો લોકસભાની બેઠકનો ઉમેદવાર પણ છે અને તે દેશ છોડી ભાગી ગયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.રેવાનાના નિવાસસ્થાને કામ કરતી એક મહિલાએ પ્રાજવલ અને તેના પિતા અને હૉલ નરસીપુરના વિધાનસભ્ય એચ.ડી.રેવાન્ના સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમાં જાતીય સતામણી થયાનું કહેવામાં આવ્યું છે.જ્યારે બીજી પીડિતાઓની સાથે થયેલા અત્યાચારના વીડિયો જોતી હતી ત્યારે મને થયું કે મારે ફરિયાદ કરવી જોઈએ, તેમ પીડિતાએ જણાવ્યું હતું. કામે લાગ્યાના ચાર મહિના બાદ પ્રાજવલ તેને પોતાના ક્વાર્ટરમાં બોલાવતો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. પીડિતાએ એમ પણ કહ્યું કે જ્યારે પ્રાજવલ ઘરે આવતો ત્યારે સ્ટાફની છ મહિલાઓ ફફડવા લાગતી હતી. અમારી સાથેના પુરુષ કર્મચારીઓ પણ અમને સાબદા રહેવાનું કહેતા હતા.
મહિલાએ જણાવ્યું હતું કે એચ ડી રેવાન્નાની પત્ની જયારે ઘરે ન હોય ત્યારે તે પણ મહિલા કામદારો સાથે અણછાજતું વર્તન કરતા, તેમને રૂમમાં બોલાવી જાતીય છેડછાડ કરતા હતા. પીડિતાએ એમ પણ કહ્યું કે પ્રાજવલે તેની દીકરીને પણ વીડિયો કૉલ પર હેરાન કરવાનું શરૂ કર્યું હતુ આથી તેણે પ્રાજલનો નંબર બ્લોક કરી દીધો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ તેની સામે ગુનો નોંધ્યો છે.દરમિયાન પ્રાજલ જર્મની નાસી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે જો તે વિદેશ જતો રહ્યો હશે તો તેને પાછા લાવવાની જવાબદારી સિટની રહેશે.રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે જણાવ્યું હતું કે આ વાત સાંભળી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે. તે સાંસદ છે અને તેણે જે કર્યું છે તે માફી ન આપી શકાય તેવો ગુનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવેગૌડાનો પક્ષ જેડી(એસ) ભાજપ સાથે એનડીએમાં છે અને પ્રાજવલને હસનથી ફરી ટિકિટ આપવામાં આવી છે. આવા ગંભીર આક્ષેપો બાદ પ્રાજવલ અચાનક ગાયબ થઈ ગયો છે. તેની બેઠક પર મતદાન થઈ ચૂક્યુ છે. પ્રાજવલ પર અન્ય હાજારો મહિલાના કથિત શોષણનો આક્ષેપ થઈ રહ્યો છે.
Reporter: News Plus