વડોદરા : શહેર પાસે આવેલા ડભોઇમાં તંત્ર દ્વારા કાયાવરોહણ અંડરપાસમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઇ જતા તંત્ર નાપાસ થયું છે.
અગાઉ ગ્રામજનો દ્વારા ઓવર બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી, જેની સામે તંત્ર દ્વારા અંડર પાસની ભેંટ આપવામાં આવી હતી. ૮૦ જેટલા ગામોને જોડતા અંડરપાસની સ્થિતી પહેલા વરસાદમાં જ પાણી ભરાતા વાહન જઇ ન શકે તેવી થઇ ગઇ છે. ચોમાસામાં અહીંયા રહેતા લોકોની હાલત કેવી થશે તેનો અંદાજો લગાડવો જ મુશ્કેલ છે.વડોદરા પાસે આવેલા ડભોઇમાં સૌથી મોટા ગામોમાં કાયાવરોહણનો સમાવેશ થાય છે. કાયાવરોહણમાં રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજની માંગણી સામે અંડર પાસ તૈયાર કર્યો છે. આ અંડર પાસ તૈયાર કરવામાં આવ્યો ત્યારે જ ચોમાસામાં પાણી ભરાઇ જવાની શક્યતાઓ છે.જે તે સમયે રેલવે તંત્ર દ્વારા સંપ બનાવી પાણીનો નિકાલ કરવામાં આવશે, તથા શેડ બનાવવામાં આવશે, જેથી પાણી ઓછું ભરાશે, તેવી વાતો કરી હતી. જો કે, આ વાતો સમય જતા હકીકતમાં પરિણમી નથી . જેને લઇને ગ્રામજનોએ ભોગવવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોના મતે આ અંડરપાસ ૮૦ ગામોને જોડે છે. વડોદરાથી સીધો જતો રસ્તો રાજપાયડી કનેક્ટ થાય તેવું તંત્રનું આયોજન છે.ગતરોજ વરસેલા પહેલા વરસાદમાં જ આ અંડર પાસમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને લઇને વાહન ચાલકો હિંમત કરીને અંડર પાસ સુધી તો પહોંચે છે, પરંતુ આગળ જવાની હિંમત કરી શકતા નથી. અને વળાંક લઇ લે છે. અંડર પાસમાંથી પાણી કાઢવા માટે પંપ મુકવામાં આવ્યા છે. પરંતુ તેના થકી કામરીરી અસરકારક નહી હોવાનો ગ્રામજનોનો મત છે. ટુ વ્હીલર ચાલકો પગદંડી જેવા રસ્તા પરથી પસાર થઇ શકે છે. કાર ચાલકો અથવા થ્રી વ્હીલર વાહન ચાલકો માટે પસાર થવું કપરી પરીક્ષા સમાન છે.ચોમાસામાં અહિંયાના લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી અંદાજો લગાડવો જ મુશ્કેલ છે.
Reporter: News Plus