વડોદરામાં મહાશિવરાત્રીના પાવનપર્વે શિવજી કી સવારીનું ધામધૂમથી આયોજન કરાયું હતું અને ભગવાન શિવ પરિવાર સાથે શહેરીજનોને સામે ચાલીને દર્શન આપવા નિકળતા શહેરના લાખો શિવભક્તો શિવમય બની ગયા હતા. જો કે નવાઇની વાત એ છે કે 2023માં યોજાયેલી શિવજી કી સવારી કાર્યક્રમ અને મહાઆરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. પણ છેલ્લા 2 વર્ષથી મુખ્યમંત્રી પણ વડોદરાના આંતરિક રાજકારણ અને પાલિકાના હોદ્દેદારો- અધિકારીઓના કરતૂતોથી નારાજ છે. જેથી તેઓ શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ આવ્યા ન હતા. આમ તો છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ વડોદરા ભાજપની નેતાગીરીથી તથા પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓથી નારાજ છે. તેઓ પણ જેમ બને તેમ વડોદરા આવવાનું ટાળી રહ્યા છે. હવે મુખ્યમંત્રી પણ વડોદરાના નેતાઓના કરતૂતોથી કંટાળી ગયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સીઆરપાટીલ અને ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયા પણ સામાન્ય રીતે વડોદરા આવતા હોય છે પણ વડોદરા ભાજપની જૂથબંધીથી તેઓ પણ ત્રાસી ગયા છે અને તેઓ પણ શિવજી કી સવારી જેના કાર્યક્રમોમાં આવવાનું ટાળી રહ્યા છે.
વડોદરા ભાજપનું રાજકારણ અત્યંત ખરાબ છે. અહીં દરેક નેતાને મોટા થઇ જવું છે અને મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ કે પછી વડાપ્રધાનની નજીક થઇ જવું છે પણ તેના માટે વડોદરા ભાજપ સંગઠનને મજબૂત કરી લોકોના કામો કરવા પડે અને આ નેતાઓને તેની પડી નથી. તેમને એમ છે કે એકમેકના ટાંટિયા ખેંચીને કે ભ્રષ્ટાચાર કરીને કેવી રીતે આગળ આવી જવાય. વડોદરા ભાજપની આંતરિક જૂથબંધી જેવી જૂથબંધી ભાજપના રાજ્યના અન્ય કોઇ પણ મહાનગર કે નગરમાં નથી. વડોદરા ભાજપ આંતરિક જૂથબંધીમાં અવ્વલ નંબરે આવે છે અને તેના કારણે જ શિર્ષસ્થ નેતૃત્વ વડોદરા ભાજપના બની ગયેલા નેતાઓથી રીતસર ત્રાસી ગઇ છે. શિર્ષસ્થ નેતૃત્વ પોતાનો ઇગો બાજુમાં મુકી દિવસ રાત પક્ષ માટે અને પ્રજા માટે કામો કરે છે પણ વડોદરા ભાજપનો એક પણ નેતા પોતાનો ઇગો પણ છોડી શકે તેમ નથી. આ ઉપરાંત નેતાઓના ભ્રષ્ટાચારથી પણ શિર્ષસ્થ નેતૃત્વ કંટાળી ગયું છે. શિર્ષસ્થ નેતૃત્વએ અનેક વાર ટકોર કરી હોવા છતાં વડોદરાના નેતાઓ સાંભળતા નથી અને તેથી હવે શિર્ષસ્થ નેતૃત્વ ખુબ અગત્યનું કામ ના હોય ત્યાં સુધી વડોદરા આવવાનું ટાળી રહ્યું છે. આંતરિક જૂથબંધી, ભ્રષ્ટાચારથી લથબથ થયેલા નેતાઓએ શિર્ષસ્થ નેતૃત્વને વડોદરાને શાંઘાઇ બનાવવાના સપના બતાવ્યા હતા પણ આ નેતાઓ વડોદરાને સુરત કે અમદાવાદની સમકક્ષ પણ લઇ જઇ શક્યા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વડોદરાના વિકાસ માટે, આંતરમાળાખીય સુવિધાઓ માટે વર્ષે કરોડો રુપિયાની ગ્રાન્ટ આપે છે પણ છતાં વડોદરા શહેર અમદાવાદ કે સુરત કે રાજકોટની સમકક્ષ આવી શક્યું નથી. આ શિર્ષસ્થ નેતૃત્વની નજરમાં આવી ગયું છે. તેઓ પણ ઇચ્છે છે કે વડોદરા રાજ્યના અન્ય શહેરો જેવું જ બને અને વડોદરામાં પણ એવો જ વિકાસ થાય પણ તેમને વડોદરાની એવી નેતાગીરી મળી છે કે તેમના માટે વડોદરાનો યોગ્ય વિકાસ કરવો હવે કઠિન બની રહ્યું છે. વડોદરાની નેતાગીરીની સાથે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પણ રાજ્યના મુખ્યમંત્રીના વિકાસના કાર્યોને અભડાવી રહ્યા છે. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ બેફામપણે કૌભાંડો આચરી રહ્યા છે અને તેની રોજે રોજ વિગતો ભાજપની શિર્ષસ્થ નેતાગિરી અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે જ છે અને તેથી શિવજી કી સવારી જેવા વડોદરાની આગવી ઓળખ સમાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાનું ટાળી રહ્યા છે અને ગુજરાત ભાજપના નેતાઓ પણ વડોદરા આવવાનું ટાળી રહ્યા છે કારણ કે તેમને વડોદરાની જનતાને શું જવાબ આપવો તેની ચિંતા સતાવતી હોય છે અને આ ચિંતા સતાવે તે પણ વ્યાજબી છે કારણ કે તેઓ સતત કર્મશીલ રહીને વડોદરા પણ યોગ્ય વિકાસ કરે તેવા પ્રયાસો સતત કરતા રહે છે પણ તેમને મળેલી વડોદરાની નેતાગીરી અને પાલિકાના અધિકારીઓની ફોજના કારણે તેમને પણ સહન કરવું પડી રહ્યું છે. ૭ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલ અને તેમની નવી ટીમથી પણ તેઓ નારાજ છે. કાકાનાં રિપોર્ટ ઉપર સુધી પહોંચી ચૂક્યા છે.સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનનાં તમામ ડાયરેક્ટરોની રજેરજની માહિતી ઉપર સુધી પહોંચી છે.શહેર ભાજપની જૂથબંધીથી પ્રદેશ કક્ષાના નેતાઓ પણ હવે ત્રાસ્યા છે.શહેર ભાજપની જૂથબંધીથી પ્રદેશ કક્ષાના નેતાઓ પણ હવે ત્રાસી ગયા છે. વડોદરાના નેતાઓ હવે કોઇનું સાંભળતા નથી. તેમને તો વડોદરાના વિકાસ કરતા પોતાનો જ વિકાસ કરવામાં ખુબ જ રસ છે. અને તેથી પ્રદેશ નેતાઓ તો ઠીક પણ વડોદરાનો નાનો કાર્યકર પણ કંટાળ્યો છે. વડોદરા ભાજપ હવે રામભરોસે છે. લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર અતૂટ વિશ્વાસ છે તેથી દરેક ચૂંટણીમાં વડોદરાની જનતા ભાજપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપીને જીતાડે છે. પણ વડોદરાનો એક પણ નેતા પોતાના જોરે એક પણ ઉમેદવારને જીતાડી શકે તેવો નથી કે તે પોતે પણ જીતી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તો વડોદરાની નેતાગીરીથી એટલા નારાજ છે કે તેમણે લોકસભાની ચૂંટણીમાં પણ વડોદરામાં એક પણ સભા કરી ન હતી. મુખ્યમંત્રી પણ વડોદરાના નેતાઓથી નારાજ છે.
શિવજી કી સવારીના ખર્ચાનો વિવાદ દઝાડી રહ્યો છે 2023માં યોજાયેલી શિવજી કી સવારી કાર્યક્રમ અને તેને સંલગ્ન અન્ય કાર્યક્રમોનો ખર્ચો જે થયો હતો તે ખર્ચો પાલિકાના માથે નાખવાની દરખાસ્ત કમિશનરે કરી હતી પણ સ્થાયીમાં આ દરખાસ્ત મુલતવી કરી દેવાઇ છે. આ વર્ષે પણ કમિશનરે શિવજી કી સવારીના ખર્ચાની દરખાસ્ત સ્થાયીમાં મોકલી હતી. વડોદરાની જનતાના માથા પર વધારાનો બોજો પાડનારા પાલિકાના અધિકારીઓના કરતૂતો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા છે અને તેથી જ મુખ્યમંત્રીએ આ વખતે શિવજી કી સવારી કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હતું.
પાલિકાના અધિકારીઓના બેફામ ભ્રષ્ટાચારથી પણ કંટાળ્યા પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કરતૂતો હવે છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા છે. વડોદરાનો યોગ્ય વિકાસ થયો નથી તેમાં વડોદરાની નેતાગીરી સાથે ખભેખભા મિલાવવામાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જેથી રાજ્યનું વહિવટીતંત્ર પણ આ અધિકારીઓથી નારાજ છે. લોભીયા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી દરેક કામમાં ભ્રષ્ટાચાર કરનારા પાલિકાના અધિકારીઓ હવે ભરતીમાં પણ નવા કરતૂતો કરવા માડ્યા છે અને તેની નોંધ પણ ઉપર સુધી લેવાઇ છે. મુખ્યમંત્રીને ખુશ કરવાના અનેક પ્રયાસો કરનારા આવા અધિકારીઓને ખબર નથી કે મુખ્યમંત્રી તો કામ જોઇને ખુશ થાય છે. મુખ્યમંત્રી તો સતત એમ ઇચ્છે છે કે સમગ્ર રાજ્યનો સર્વાંગી વિકાસ થાય. રાજ્યના અન્ય મહાનગરો જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે અને માત્ર વડોદરા શહેર જ 25 વર્ષ પહેલા હતું તેવું જ રહ્યું છે તે જોઇને મુખ્યમંત્રી ખુશ થાય તેવા નથી. તેમને તો વિકાસના કામો બતાવો તો ખુશ થશે. પૂર સમયે જે પરિસ્થીતી પાલિકાના અધિકારીઓ-હોદ્દેદારોના પાપે થઇ હતી તેનાથી મુખ્યમંત્રી પણ નારાજ થયા હતા અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટેનો આદેશ આપ્યો ત્યારે પાલિકાના અધિકારીઓની ઉંઘ ઉડી હતી. પણ જે રીતે પાલિકાના અધિકારીઓ વહિવટ કરી રહ્યા છે તેનાથી મુખ્યમંત્રી સહિત ગુજરાત ભાજપના તમામ મોટા નેતાઓ નારાજ છે. તે વાત ચોક્કસ છે.
સીએમને નિમંત્રણ પણ અપાયું હતું શિવજી કી સવારી અંગે આયોજકો સાથે જ્યારે પોલીસ કમિશનરે મિટીંગ કરી હતી ત્યારે પોલીસ કમિશનરે મીડિયાને કહ્યું હતું કે મુખ્યમંત્રીને પણ શિવજી કી સવારી કાર્યક્રમમાં હાજર હહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે પણ છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રીની હાજરી હશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા હતી નહી. આ જ સુચવે છે કે મુખ્યમંત્રીએ જ જાતે જ વડોદરા આવવાનું માંડી વાળ્યું હતું કારણ કે તેઓ વડોદરાના ભાજપના નેતાઓ અને વડોદરા પાલિકાના અધિકારીઓના કરતૂતોથી નારાજ હતા.
Reporter: