News Portal...

Breaking News :

ભાઠેનાની ઉમા ઇન્ડસ્ટ્રીઝની પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ, બે લોકોનું રેસ્ક્યુ

2026-09-03 15:33:34
ભાઠેનાની ઉમા ઇન્ડસ્ટ્રીઝની પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ, બે લોકોનું રેસ્ક્યુ

સુરત: સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીઝની પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઔદ્યોગિક બિલ્ડિંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વેસુ, મજુરા સહિતના વિવિધ ફાયર સ્ટેશનોની ટીમો અને ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રિન્ટિંગ પ્રેસમાં રહેલા જ્વલનશીલ સામાનના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આગની વચ્ચે બિલ્ડિંગમાં બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સમયસર કરવામાં આવેલી કામગીરીથી મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા તેમજ કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગ આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોમાં ન ફેલાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘટનામાં થયેલા નુકસાન અને આગના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Reporter: admin

Related Post