ધંધાના ઠેકાણા જ નથી.૪૫ ડિગ્રી ગરમીમાં કોઈ ઘરની બહાર નીકળતું જ નથી.અને તાપમાં તપેલી રિક્ષામાં બેસવાનું કોઈ પસંદ કરતું નથી.
આ ઉદગાર એક રિક્ષા ચલાવતા ભાઈના છે.પરંતુ ધગધગતી ગરમીમાં લગભગ તમામ રિક્ષા ચાલકોની હાલત બગડી છે પેણીમાં તડાતા ભજીયા જેવો ઉનાળો શહેરના રિક્ષા ચાલક ભાઈઓ ના શરીરની સાથે રિક્ષાને તપાવી રહ્યો છે અને આવકને બાળી રહ્યો છે.ઉનાળાની રજાઓ પૂરી થવામાં છે.રિક્ષા ચાલકોને પણ તેમના સંતાનો ના શાળા પ્રવેશ,ચોપડા અને ગણવેશ માટે રૂપિયાની જરૂર પડશે.તેવા સમયે રિક્ષા ચાલકોની આવક પહેલા કરતા અર્ધી થઈ ગઈ છે જેનું મુખ્ય કારણ ઉનાળાને લીધે ઘટેલી ભીડ છે તકલીફ તો બૌ જ છે એવી લાગણી વ્યક્ત કરતા એક રિક્ષા ચાલક વિનોદ પરમાર કહે છે કે રિક્ષાઓ નો ઢગલો છે અને પેસેન્જર મળતા નથી.રિક્ષાઓ તપી જાય છે.તેઓ કહે છે કે દુકાળમાં અધિક માસની જેમ ઉપરથી ઉબેર અને બાઇક વાળાઓ નો ત્રાસ છે.રિક્ષા પાસિંગ માટે પીળી પ્લેટનો આગ્રહ અને ઉબેર/ બાઈકો માટે બધી છૂટ. જ્યાં રોજ રૂ.૧ હજારનો વકરો થતો હતો ત્યાં આજે રૂ.૫૦૦ કમાતા રેલા ઉતરે છે.
વડોદરા શહેરમાં અંદાજે ૧ લાખ લોકો રિક્ષા ચલાવે છે અને તેના દ્વારા ૫ લાખ લોકોનું ગુજરાન ચાલે છે.રિક્ષાના પૈંડા ફરતા રહે તો એમનું ઘર સારી રીતે ચાલતું રહે છે.હવે ઉનાળાએ પૈંડા ને આંટી મારી છે એટલે ઘર ચલાવવાનું અઘરું થયું છે તપેલી રિક્ષા ચલાવનાર ની પણ તબિયત બગાડે છે.તાજેતરમાં જ ફારુખ શેખ નામક રિક્ષા ચાલક ઉકળાટથી ગભરામણ થતાં મોતને ભેટ્યો ત્યારે બધા હચમચી ઉઠ્યા અને ચિંતામાં પડી ગયા છે. બપોરના બાર વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી બહાર નીકળનારા ની સંખ્યા સાવ ઘટી ગઈ છે.ઉપરથી રિક્ષાઓ નો ઢગલો થયો છે.પરિણામે મુસાફરો મળતા જ નથી.ગરમાગરમ રિક્ષાઓમાં બેસવા કોઈ તૈયાર નથી.અને તાપથી તપતા રસ્તાઓ પર મુસાફરોની રાહ જોતા બેસી રહેવાનું અઘરું પડે છે.ઉનાળાએ રિક્ષા ચાલકોને માથે જાણે કે પડતા પર પાટુ માર્યું છે.ક્યારે ઉનાળો ઠંડો પડે, તાપ ઘટે અને પ્રવાસીઓ પૂર્વવત થાય એની રાહ રિક્ષા ચાલકો જોઈ રહ્યા છે.
Reporter: News Plus