રાજકોટના ગુંદાવાડી રોડ ગોવિંદપરા-૨ના ખુણે આવેલુ યમુના કુંજ મકાન તથા હોસ્પિટલમાં દવા પીધા બાદ હોસ્પિટલમાં પહોંચેલા સોની વેપારી કેતનભાઇ લલીતભાઇ આડેસરા અને તેમના પરિવારના સભ્યો તેમજ દવાની બોટલ બતાવી રહેલા કેતનભાઇના પિતા લલીતભાઇ આડેસરા અને ઇમર્જન્સી વોર્ડમાં સગા સંબંધીઓ સહિતના જોઇ શકાય છે.
રાજકોટ શહેરના ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પોતાના પરિવારના બીજા ૮ સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. તમામ સભ્યોએ રાતે સરબતમાં ઉધઇ મારવાની દવા ભેળવીને પી લીધી હતી. દવા પી લેનારા સોની પરિવારના ૯ સભ્યો ગુંદાવાડી મેઇન રોડ પર ગોવિંદપરા-૨ના ખુણે યમુના કુંજ ખાતે રહે છે. તેમના નામ કેતનભાઇ લલીતભાઇ આડેસરા (ઉ.વ.૪૫), તેમના પત્નિ દિવ્યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.૪૨), માતા મીનાબેન લલીતભાઇ આડેસરા (ઉ.વ.૬૭), પિતા લલીતભાઇ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૬), કેતનભાઇના નાના ભાઇ વિશાલભાઇ લલીતભાઇ આડેસરા (ઉ.વ.૪૦), નાના ભાઇના પત્નિ સંગીતાબેન વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૩૯), તેમજ કેતનભાઇના પુત્ર જય આડેસરા (ઉ.વ.૨૧), ભત્રીજા વંશ વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૧૫) અને ભત્રીજી હેતાંશી વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૮)નો સમાવેશ થાય છે.
આજે શનિવાર બપોરે બધા ભાનમાં આવતાં સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. અહિ તબિબે તપાસ કરતાં લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે મુંબઇના ચાર વેપારી કે જેઓ એકબીજાના ભાગીદાર છે તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી દીધુ હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનુ ખરીદ કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોઇ ઘરમાં વેપારના સ્થળે આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળીને પગલું ભર્યું હતું.
Reporter: admin