વડોદરા : વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઈલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.અણીન્દ્રાની એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તાજેતરમાં શાળાના વોટસઅપ ગૃપમાં મેસેજ દ્વારા ઘરેથી મોબાઈલ લાવવાનું જણાવતા વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. વધુ સભ્યો નોંધાય તે માટે વિદ્યાર્થીઓની નોંધણી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.અણીન્દ્રા શાળાના આચાર્યએ જણાવ્યું કે, પોતે બહારગામ હોવાનું જણાવી સરકારની જી-શાળા એપ અને તેની જાણકારી તેમજ ડાઉનલોડ માટે વિદ્યાર્થીઓને મોબાઈલ લાવવા મેસેજ કર્યો હોવાનું જણાવ્યું હતું. અને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય નહિં બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારના જણાવ્યા મુજબ, કોઈપણ શાળા કે વિદ્યાર્થીને કોઈપણ પક્ષ સાથે કાંઈ લેવા-દેવા નથી છતાં આ બનાવથી વિદ્યાર્થીઓની માનસિકતા પર વિપરીત અસર પડી છે. આથી અણીન્દ્રા શાળાને આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે અને તપાસ બાદ કોઈ દોષીત જણાઈ આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું કે, સદસ્યતા અભિયાનમાં વધુ સદસ્ય જોડી પક્ષમાં સારૂ દેખાડવા તેમજ જસ મેળવવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી શાળામાં મોબાઈલ દ્વારા ભાજપના સદસ્ય બનાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ભાજપના સદસ્યોની સંખ્યા બહોળી છે અને વિશાળ પક્ષમાં જોડાવવા માટે તેમજ સદસ્યતા અભિયાન માટે વિદ્યાર્થીઓની જરૂર નથી. આથી ભાજપ પક્ષને ઈરાદાપૂર્વક બદનામ કરવાના હેતુથી અન્ય પક્ષો દ્વારા સમગ્ર મામલો ઊભો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
Reporter: admin