દિલ્હી: વૈશ્વિક કિંમતી ધાતુઓના બજારમાં એક અનોખી અને વિરોધાભાસી સ્થિતિ જોવા મળી છે. જ્યાં એક તરફ સોના અને ચાંદીના હાજર ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ત્યાં બીજી તરફ ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાં સામાન્ય લોકો કિંમતી ધાતુઓ ખરીદવા માટે દાગીના અને કિંમતી ધાતુઓના શોરૂમની બહાર લાઇન લગાવીને ઊભા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીના ભાવમાં ૬ ટકાથી વધુનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સોનાના ભાવમાં પણ ૩ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે, જ્યારે ભાવમાં ઘટાડો થાય છે, ત્યારે ગ્રાહકો ખરીદી માટે રાહ જોતા હોય છે, પરંતુ આ કિસ્સામાં પરિસ્થિતિ તદ્દન ઊલટી છે.શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ૨ ટકાથી વધુનો ઘટાડો થયો. સોનું તેના સર્વકાલીન રેકોર્ડ ઊંચાઈ $૪,૩૦૦ પ્રતિ ઔંસથી નીચે ગયા પછી આ ઘટાડો થયો. નિષ્ણાતોના મતે, ડોલરના મજબૂતાઈ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને પગલે સોનામાં વેચાણ જોવા મળ્યું.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. સોનાના ભાવમાં લગભગ ૨ ટકાનો ઘટાડો થયો, જ્યારે ચાંદીમાં ૫ ટકાનો ઘટાડો થયો. ટ્રમ્પે કહ્યું કે ચીન પર પૂર્ણ-સ્તરીય ટેરિફ લાંબા ગાળે ટકાઉ રહેશે નહીં. તેમના નિવેદનથી બજારમાં આશા જાગી છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવમાં ઘટાડો થઈ શકે છે.શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. ચાંદીના ભાવ ૫ ટકાથી વધુ ઘટીને $૫૧ પ્રતિ ઔંસ થયા, જે અગાઉ $૫૪.૨ પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. MCX પર ચાંદીના ભાવમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો, જે છેલ્લા છ મહિનામાં સૌથી મોટો ઘટાડો છે.
Reporter: admin







