પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવા છતાં મહેસુલી તંત્રની વિવિધ કચેરીઓમાં ઉપસ્થિત રહી બચાવ તથા રાહતની કામગીરીમાં જોડાયેલા સફાઇકર્મી, ડ્રાઇવર, પટ્ટાવાળા અને ઓપરેટર પ્રત્યે કલેક્ટર તંત્ર દ્વારા સંવેદનશીલતા દાખવવામાં આવી હતી અને આવા કર્મચારીઓમાં રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આઠમના પર્વથી શરૂ થયેલી આપદામાં કલેક્ટર કચેરી ઉપરાંત પ્રાંત અને મામલતદાર ઓફિસમાં ઉક્ત સંવર્ગના કર્મચારીઓ પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નહોતા. સફાઇકર્મીઓ દ્વારા તુરંત સફાઇ કામગીરી કરવામાં આવી હતી. ડ્રાઇવરો પોતાના અધિકારી સાથે સતત ફિલ્ડમાં રહી રાહત તથા બચાવ કામગીરીમાં પણ જોડાયા હતા. આ ઉપરાંત ઓપરેટર સંવર્ગના અધિકારીઓ વિવિધ પ્રકારના રિપોર્ટ, ફોન એટેન્ડન્સ સહિતની કામગીરી કરતા રહ્યા હતા. આવા કર્મચારીઓ પરદા પાછળના કર્મયોગીઓ છે. આ કર્મચારીઓના ઘરમાં પણ પાણી ભરાવાની સ્થિતિ હતી. આમ છતાં, તેમણે પોતાના પરિવાર પહેલા જનસેવાને પ્રધાન્ય આપ્યું હતું.
ઘરમાં અનાજ પલળી ગયું છતાં, ચહેરા ઉપર સ્મીત સાથે પોતાની ફરજ બજાવતા રહ્યા હતા. આ બાબતને ધ્યાને રાખી કલેક્ટર બિજલ શાહે તેમના માટે રાશન કિટની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા ૨૫૦ જેટલી કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા ૩૫ કિલો જેટલા વજનનની રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા લોટથી માંડી મીઠા સુધીની તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. જિલ્લા સમાહર્તા બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ કલેક્ટર ગીતા દેસાઇ તથા અમિત પરમારના હસ્તે આ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin