વડોદરા : મ.સ.યુનિવર્સિટીમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ સ્કીમના નિયમોમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી સ્કોલરશીપનો લાભ મેળવવા માટેની આવક મર્યાદા વાર્ષિક 3.50 લાખ હતી, જે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. સ્કોલરશીપ સ્કીમનું સંચાલન કરનાર ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની એક બેઠક બુધવારે મળી હતી, જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. નિયમમાં થયેલા ફેરફારના કારણે હવે સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં તો વધારો થશે, પરંતુ સ્કોલરશીપ માટેની જે રકમ ઉપલબ્ધ છે તે વધારે વિદ્યાર્થીઓમાં વેચાશે અને તેના કારણે અત્યંત ગરીબ વિદ્યાર્થીઓને જે રાહત મળતી હતી તેમાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે 2023 -24 ના શૈક્ષણિક વર્ષમાં લગભગ 1400 વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો ,અને તેમને 85 લાખ રૂપિયાની સહાય મળી હતી .એમએસ યુનિવર્સિટી પોતાના ભંડોળમાંથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે 2014 થી આજ સ્કોલરશીપ સ્કીમ ચલાવે છે.જેમાં વિદ્યાર્થીઓને તેમણે ભરેલી ફી બેન્ક એકાઉન્ટમાં પાછી આપવામાં આવે છે .2024 -25ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશીપ આપવાની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે 28 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, એ પછી ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે ,અને વિદ્યાર્થીઓને તેમણે ભરેલી ફી પાછી આપવામાં આવશે. આ પ્રક્રિયા સમય માગી લે તેવી હોવાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતા સુધીમાં વેકેશન પડી જશે.
Reporter: admin