વડોદરા જિલ્લામાં પૂર પ્રકોપના કારણે રાજમાર્ગો ઉપર પડેલા ખાડા પૂરવા માટે ચાલી રહેલી ઝૂંબેશ અંતિમ તબક્કામાં પહોંચી છે.
જિલ્લામાં આગામી ત્રણેક દિવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૯૦ ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની વડોદરા ગ્રામ્યની કચેરી હેઠળ કુલ ૫૮ જેટલા માર્ગો છે. તેમાં ૪૧ સ્ટેટ હાઇવે, ૧૫ મેજર ડિસ્ટ્રીક્ટ રોડ અને ૩ અધર ડિસ્ટ્રીક્ટ રોડ છે. આ માર્ગોની કુલ લંબાઇ ૯૨૦ કિલોમિટર જેટલી થવા જાય છે. વર્ષાઋતુ દરમિયાન અતિભારે વરસાદના પરિણામે ઉક્ત માર્ગોમાં કેટલાક સ્થળે પાણી ભરાતા ખાડા પડ્યા હતા.
આ બાબતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ ખાડાઓ ત્વરિત પૂરી માર્ગો દુરસ્ત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેના પગલે વડોદરા જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગો દુરસ્ત કરવા માટે ઝૂંબેશ ઉપાડવામાં આવી હતી. ઉક્ત પૈકી પાંચ માર્ગોને ડિફેક્ટર લાયબલેટી પિરયડ હેઠળ દુરસ્ત કરવામાં આવ્યા છે. તેમ કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલે કહ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજે ૮૨૦ કિલોમિટરની લંબાઇના માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા છે. એ પ્રમાણ જોતા ૯૦ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે આગામી ત્રણેક દિવસમાં દુરસ્તીકરણનું કામ પૂરૂ થઇ જશે.
Reporter: admin