ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકનો સોમવારથી પ્રારંભ થયો છે. 5 ઓગસ્ટે જાહેર થનારા નાણાકીય નીતિના નિર્ણય પહેલાં રોકાણકારો, ઉદ્યોગજગત અને અર્થશાસ્ત્રીઓની નજર રેપો રેટ, ફુગાવો અને આર્થિક વૃદ્ધિના અંદાજ પર કેન્દ્રિત છે.
વિશ્લેષકોના મતે, આરબીઆઈ આ બેઠકમાં નીતિગત રેપો રેટને હાલના 5.25 ટકા પર યથાવત રાખી શકે છે. એસબીઆઈ રિસર્ચના અહેવાલ મુજબ આગામી બે ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા અને દેશની અર્થવ્યવસ્થામાં જોવા મળતી મજબૂતીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની સંભાવના ઓછી છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7 ટકાથી વધુ રહી શકે છે. જોકે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ, રૂપિયાની સ્થિતિ અને વિદેશી મૂડીના પ્રવાહ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ સાવચેતીભર્યો અભિગમ અપનાવે તેવી શક્યતા છે.
બજાર હવે આરબીઆઈના નિવેદનમાં મોંઘવારી, આર્થિક વિકાસ, પ્રવાહિતા અને આગામી નાણાકીય નીતિના સંકેતો પર ખાસ નજર રાખી રહ્યું છે.
Reporter: admin







