ટાવર-Fમાં રહેવાસીઓને જાણ કર્યા વગર 15થી 20 મીટર બદલાતા લોકોમાં રોષ
રહેવાસીઓ એકત્રિત થતા કર્મચારીઓએ પોલીસ બોલાવી, સોસાયટી દ્વારા ફરિયાદની તૈયારી

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા મલબાર વેલી કોમ્પલેક્ષના ટાવર-F ખાતે MGVCL દ્વારા અંદાજે 15થી 20 વીજ મીટર બદલવાની કાર્યવાહી કરવામાં આવતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. રહેવાસીઓના આક્ષેપ મુજબ, ઘરમાલિકો અથવા સોસાયટીને અગાઉ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બપોરના સમયે, જ્યારે મોટા ભાગના લોકો આરામ કરી રહ્યા હતા ત્યાર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને MGVCLની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન મીટર બદલવા આવેલા કર્મચારીઓએ પરિસ્થિતિ તંગ બનતા પોલીસને બોલાવી હતી.મલબાર વેલીના રહેવાસીઓએ MGVCL સામે રોષ વ્યક્ત કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
Reporter: admin







