હાલ સખત ગરમીના દિવસો છે અને અનેક મુંબઈગરા એનાથી રાહત મેળવવા મુંબઈના દરિયાકિનારે ફરવા જતા હોય છે. ઘણા મુંબઈગરા મોડી રાત સુધી અને કેટલાક મધરાત બાદ પણ ત્યાં હવા ખાવા કે બીચ પર આંટા મારતા હોય છે. જોકે એવું જાણવા મળ્યું છે કે જુહુ બીચ પર પૅટ્રોલિંગ કરતી પોલીસ તેમને મધરાત બાદ સિક્યૉરિટીનો હવાલો આપી ત્યાંથી નીકળી જવા કહે છે. જોકે આ બાબતે જ્યારે ઍક્ટિવિસ્ટ ઝોરુ ભાથેનાએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ અરજી કરીને સાંતાક્રુઝ પોલીસ પાસે એ જાણવા માગ્યું કે શું જુહુ બીચ પર ફરવા સદર્ભે કોઈ ટાઇમ-રિસ્ટ્રિક્શનનો આદેશ છે? જો હોય તો આદેશ કે નોટિફિકેશન આપો. તો સાંતાક્રુઝ પોલીસે તેમને જવાબ આપતાં એમ કહ્યું હતું કે આવા કોઈ આદેશનો અમારી પાસે રેકૉર્ડ નથી.
ઝોરુ ભાથેનાએ આ બાબતે કહ્યું હતું કે ‘જુહુ બીચ પર મોડે સુધી ઘણી વાર તો મધરાત બાદ પણ લોકો શાંતિથી ફરવા મળે એ માટે જતા હોય છે. ઘણા યંગસ્ટર્સ ત્યાં રમતા પણ હોય છે. જોકે ત્યાં પૅટ્રોલિંગ કરતી પોલીસ તેમને ત્યાંથી ચાલ્યા જવા કહે છે એટલું જ નહીં, પોલીસ બહુ રુડલી વર્તતી હોય છે, જાણે કે આપણે ચોર-ઉચક્કા હોઈએ એમ દબડાવતી હોય છે. એટલે મેં આ બાબતે RTI ઍક્ટ હેઠળ વિગત જાણવાનો પ્રયાસ કર્યો કે શું બીચ પર ફરવા માટે કોઈ ટાઇમ લિમિટનાં રિસ્ટ્રિક્શન છે? પૅટ્રોલિંગ કરતી પોલીસ ત્યાં કાંઈ ખોટું ન બને એ માટે પગલાં લે તો સમજી શકાય એમ છે, પણ જે મુંબઈગરા ત્યા આંટો મારવા આવ્યા હોય કે ફરવા આવ્યા હોય તેમને ત્યાંથી હાંકી કાઢવાની કે ચાલ્યા જવાનું કહી ન શકે.
આખરે એ પબ્લિક પ્લેસ છે. પોલીસપ્રોટેક્શન માટે છે. ટ્રેનમાં મોડી રાતે મહિલાઓ પ્રવાસ કરે તો તેમની સુરક્ષા માટે પોલીસ હોય એ સમજી શકાય, પણ એમ તો ન જ કહી શકેને કે તમે પ્રવાસ ન કરો. પોલીસનું કામ સુરક્ષા જાળવવાનું છે. બીચ પર જો કોઈ શંકાસ્પદ લાગે તો તેની પૂછપરછ કરો તો એ બરાબર છે, પણ તેને દબડાવીને ત્યાંથી ચાલ્યા જવાનું કહો એ ખોટું છે. વળી માત્ર જુહુ પર જ આવું થાય છે એમ નથી; ગિરગામ ચોપાટી, મરીન ડ્રાઇવ, નરીમાન પૉઇન્ટ, બાંદરા બૅન્ડ-સ્ટૅન્ડ પર પણ પોલીસ ફરવા આવેલા લોકોને મધરાત બાદ હાંકી કાઢે છે. પોલીસ આ રીતે લોકોને ચાલ્યા જવાનું ન કહી શકે. ’
Reporter: News Plus