મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC) તથા NSS યુનિટના સહયોગથી ફેકલ્ટીની સ્થાપનાના ૧૪૦ વર્ષ અને આચાર્ય પ્રો. સી. સી. મહેતાની ૧૨૫મી જન્મજયંતિના સ્મરણાર્થે “‘સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય – માસિક ધર્મ અને સેનિટરી પેડ્સ અંગેની ગેરસમજો દૂર કરવાના પ્રયત્નો’” વિષયક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું તા. ૦૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં Healthy Naari ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અનુજ રાઠોર મુખ્ય રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના સ્ટાર્ટઅપની સફળ યાત્રા સાથે સાથે માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગે સમાજમાં રહેલી ગેરસમજો, આરોગ્ય સંબંધિત પડકારો અને મહિલાઓ માટે સુરક્ષિત તથા કલંકમુક્ત સંભાળની આવશ્યકતા પર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમની સાથે રામ કૃષ્ણ મિશન તથા વિવેકાનંદ મેમોરિયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુસ્તકોનું વિતરણ અને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.અનુજ રાઠોરે હેલ્થી નારીની પ્રેરણાદાયક કહાની રજૂ કરતાં જણાવ્યું કે ૨૦૧૯માં એક સામાન્ય પરંતુ અસરકારક અનુભૂતિથી આ ચળવળનો આરંભ થયો—મહિલાઓ વધુ સુરક્ષિત, સ્વસ્થ અને ગૌરવપૂર્ણ સંભાળની હકદાર છે.

૨૦૨૨માં ઉત્પાદન વિકાસ પૂર્ણ થયો, ૨૦૨૩માં વાસ્તવિક વપરાશકર્તાઓ સાથે પરીક્ષણ શરૂ થયું, ૨૦૨૪માં ૬૦૦થી વધુ પ્રતિસાદો મેળવી તેને અમલમાં મૂકવામાં આવ્યા અને ૨૦૨૫માં કંપની તરીકે સત્તાવાર લોન્ચ સાથે Healthy Naari એક બ્રાન્ડથી આગળ વધી એક સામાજિક આંદોલન બની.કાર્યક્રમ દરમિયાન હેલ્થી નારી ને ““મહિલાઓ માટેનું સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ સ્થાન” તરીકે રજૂ કરવામાં આવ્યું—જ્યાં મહિલાઓ ખુલ્લેઆમ પ્રશ્નો પુછી શકે, આત્મવિશ્વાસથી શીખી શકે અને સંકોચ વિના મદદ મેળવી શકે. માસિક આરોગ્ય, પ્રજનન સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી તથા મહિલાના જીવનના દરેક તબક્કાને ગૌરવ, સંવેદના અને સત્યતાથી જોવાની દૃષ્ટિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.કાર્યક્રમના સંકલનકાર તરીકે ડૉ. અમી પંડ્યા અને સહ-સંકલનકાર તરીકે ડૉ. નિરઝરી ઠક્કરે આયોજનને સુચારુ રીતે સંપન્ન કર્યું, જ્યારે ડૉ. નિતિન પરમાર, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો.આ અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારે પોતાના સંદેશમાં જણાવ્યું કે,આ પ્રકારના કાર્યક્રમો માત્ર જ્ઞાનવર્ધન પૂરતા નથી, પરંતુ સમાજમાં રહેલી ગાઢ માનસિક ગાંઠોને ખોલવાનો પ્રયાસ છે. માસિક ધર્મ અંગે ખુલ્લી ચર્ચા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય છે. સ્ટાર્ટઅપ્સ અને સામાજિક જવાબદારી વચ્ચેનો આ સંવાદ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થશે.”કાર્યક્રમમાં ફેકલ્ટીના અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા એનએસએસ સ્વયંસેવકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.



Reporter: admin







