ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. 26 એપ્રિલથી 5 મે સુધી લોકસભા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. વિઘાનસભા સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં દરબારગઢ ખાતે જનસભાને સંબોધશે. પાર્ટીએ અહીંથી વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના ધવલ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 29 એપ્રીલે કોંગ્રેસ પક્ષનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે.અહીં નોંધવું ઘટે કે, વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલની ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર કરવા પહોંચ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરશે.વલસાડ ગુજરાતની તે બેઠકોમાંથી એક છે જેના પર કોંગ્રેસની પક્કડ સારી છે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં ગુજરાત પહોંચ્યા હતા. આ પછી તેઓ પ્રથમ ઈઠઈ માટિંગમાં હાજરી આપવા આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતની આ આગામી લોકસભા બેઠક પરની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી સુરતમાં ભાજપની બિનહરીફ જીતનો મામલો ઉઠાવી શકે છે. અનંત પટેલ વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય છે. પ્રિયંકા ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા ન હતા. તેઓ લાંબા સમય બાદ પ્રચાર માટે ગુજરાત પહોંચશે. કોંગ્રેસ પાર્ટીએ દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની રેલીનું આયોજન કર્યું છે. પ્રિયંકા ગાંધી રેલીમાં સવારે 10 વાગે ગુજરાત પહોંચશે. વલસાડ લોકસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે.દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠન પ્રભારી અને વરિષ્ઠ રાજ્યસભા સભ્ય મુકુલ વાસનીકનો પણ બેદિવસીય ગુજરાતનો પ્રવાસનું આયોજન કરાયું છે. 28 એપ્રીલ એ વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંધવી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. સાથે કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા અલકા લાંબાજી ગુજરાતમાં પ્રચાર કરી મત માટે અપીલ કરશે. કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં યુવા મુખ્યમંત્રી રેવંતા રેડીની પણ જાહેર સભાનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત કોંગ્રેસ પક્ષનાં મીડિયા ડિપાર્ટમેન્ટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ખેરા, રાષ્ટ્રીય પ્રવકતા સુપ્રીયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધન કરશે.યુવાનો સુધી કોંગ્રેસ પક્ષનાં ‘યુવા ન્યાય’ની વાત રજૂ કરવા કોંગ્રેસ પક્ષનાં યુવા નેતા કનૈયાકુમાર, ઇમરાન પ્રતાપગઢી,યુથ કોંગસનાં રાષ્ટ્રીય પ્રમુખ બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ અને જાહેરસભા કરે તેવુ કોંગ્રેસના આયોજન સાથે રાષ્ટ્રીય નેતૃત્વને આમંત્રણ પાઠવ્યું છે.મહત્વનું છે કે, ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ આમ આદમી પાર્ટી માટે બે સીટો છોડી છે. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં છે.
Reporter: News Plus