News Portal...

Breaking News :

પરભણીના યશવાડી દેવસ્થાનમાં હનુમાન મંદિરે મોટી દુર્ઘટના; 6નાં મોત, 30થી 40 લોકો દટાયા હોવાની આશંકા

2026-06-20 17:11:51
પરભણીના યશવાડી દેવસ્થાનમાં હનુમાન મંદિરે મોટી દુર્ઘટના; 6નાં મોત, 30થી 40 લોકો દટાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા યશવાડી દેવસ્થાનના હનુમાન મંદિરમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંદિર પરિસરમાં પ્રસાદ લેવા માટે ઉભેલા ભક્તો પર અચાનક સભા મંડપની છત તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 શ્રદ્ધાળુઓનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે 30થી 40 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શનિવાર હોવાને કારણે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. એ દરમિયાન મંદિર સામે બની રહેલા સભા મંડપની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. છત તૂટતાં જ પથ્થરો, સિમેન્ટનો કાટમાળ અને લોખંડના સળિયા ભક્તો પર વરસ્યા હતા, જેના કારણે સ્થળ પર ચીસોચીસ અને ભાગદોડ મચી ગઈ હતી. દર્શન અને પ્રસાદ માટે આવેલા અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.


ઘટનાની જાણ થતાં જ પોલીસ, જિલ્લા પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 6 મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અનેક ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસનની ટીમોએ લગભગ 10થી વધુ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યાની માહિતી મળી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, હનુમાન મંદિરની સામે સભા મંડપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને એ જ મંડપની છત અચાનક તૂટી પડી હતી. ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં છત ધરાશાયી થતાં જ લોકોમાં અફરાતફરી મચી જતી જોવા મળી રહી છે. હાલ પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે અને કાટમાળ નીચે હજુ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post