News Portal...

Breaking News :

ગીવ એન્ડ ટેક ઓર્ડર પોલ પકડાતા નવા ચીફ ફાયર ઓફિસર ભેરવાયા , ગાંધીનગરના ચક્કર ચાલુ

2025-02-16 11:21:45
ગીવ એન્ડ ટેક ઓર્ડર પોલ પકડાતા નવા ચીફ ફાયર ઓફિસર ભેરવાયા , ગાંધીનગરના ચક્કર ચાલુ


વડોદરા ફાયર બ્રિગેડના નવા ચીફ ફાયર ઓફિસર મનોજકુમાર પાટીલ હવે બરાબરના ભેરવાયા છે કારણ કે તેમણે જે વિગતો ઓનલાઇન ફોર્મમાં ભરેલી જણાવી છે તેમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. નવા ફાયર ઓફિસરની પોલ ખુલી જતાં તેમના ગાંધીનગર ચક્કર ચાલુ થઈ ગયા છે. તેમને આજે ગાંધીનગર ખાતે બોલાવાયા હતા. આજે તેઓ આખો દિવસ ગાંધીનગર હોવાનું અમારી જાણમાં આવ્યું છે.  


બીજી તરફ ફરીથી તેમના દસ્તાવેજોની પણ ચકાસણી કરાઇ છે. શુક્રવારે સામાન્ય વહિવટ વિભાગે તેમને રુબરુ બોલાવ્યા હતા અને તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરીકે નવી મુંબઈના મનોજ પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી હાજર પણ કરાવી દીધા હતા અને એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો હતો. મનોજ પાટીલની નિમણુંક ગેરકાયદેસરની હોવાનું પાલિકા સંકુલમાં ચર્ચાઇ રહ્યું છે. ખાસ કરીને મનોજ પાટીલે ઓનલાઇન ફોર્મમાં ઘણી ખોટી માહિતી દર્શાવેલી છે. તેમણે ફાયર સેફ્ટીનો કોર્સ જ્યાં કર્યો છે  તે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કરેલો હોવાનું તેમણે ઓનલાઇન ફોર્મમાં જણાવ્યું છે પણ તેમણે ગુજરાત યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં આવેલી છે તેમ જણાવ્યું છે. ચીફ ફાયર ઓફિસર માટે જે વ્યક્તિ ફોર્મ ભરતો હોય તે આટલી મોટી ભુલ કઇ રીતે કરી શકે તે એક મોટો સવાલ છે. માની લઇએ કે ફોર્મ ભરતી વખતે ભુલ થઇ ગઇ હોય પણ જ્યારે તમે કોઇ કંપની કે સરકારની ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરતા હો ત્યારે ફોર્મ યોગ્ય રીતે ભરેલું છે કે કેમ તેની એક બે વાર નહીં પણ 10 વાર ચકાસણી કરતા હો છો કારણ કે ખોટી માહિતીના કારણે ફોર્મ રદ થઈ જવાનો ભય હોય છે. તમે તો ચેક કરો જ છો પણ તમારા સ્વજનો પાસે પણ ચેક કરાવો છો કે માહિતી યોગ્ય રીતે ભરી છે કે કેમ...પણ મનોજ પાટીલે ફોર્મ ભર્યા બાદ તેમણે જે માહિતી ભરી છે તે સાચી છે કે ખોટી છે કે તેમાં કોઇ ભુલ થઈ ગઇ છે કે કેમ તેની ચકાસણી સુદ્ધાં કરી લાગતી નથી. જે વ્યક્તિ ઓનલાઇન ફોર્મ ભરવામાં આટલી મોટી ભુલ કરે તો તે વડોદરા શહેરની સુરક્ષામાં પણ ભુલ કરી શકે છે અને પાછળથી એમ કહીને છટકી પણ શકે છે કે તે એક માનવીય ભુલ હતી. જે હોય તે પણ તેમને ગાંધીનગરના ચક્કર લગાવવાના શરુ કરી દીધા છે. તેમને શનિવારે ગાંધીનગર બોલાવાયા હોવાનું આધારભુત સુત્રોએ જણાવ્યું છે. . સામાન્ય વહિવટ વિભાગે અમારા અહેવાલો બાદ મનોજ પાટીલના તમામ દસ્તાવેજોની ફેર. ચકાસણી શરુ કરી દીધી છે પાલિકા સંકુલમાં ચર્ચા ચાલી રહી છે કે જો મનોજ પાટીલ વિવાદીત હોય તો તેમને ફરજીયાત રજા પર ઉતારી દઇને તેમની સામે તપાસ પૂર્ણ કરવી જોઇએ. મનોજ પાટીલ ગઇ કાલે પણ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ કમિશનર,ચેરમેન, ડૅ મેયર અને મેયર તથા કમિશનરને મળી આવ્યા હતા. આજે જ્યારે નવા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન હતું ત્યારે પણ ચીફ ફાયર ઓફિસર ગેરહાજર હતા. જ્યારે તેમના જ વિભાગના ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન હોય ત્યારે તે વિભાગનો વડો હાજર ના હોય તે સમજી શકાતું નથી અને એટલે જ તેમની નિમણુંક તો ઉતાવળમાં કરી દેવાઇ છે પણ હવે પાલિકાના ઉચ્ચ અધિકારીઓના ગળામાં હાડકું ફસાઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. નવા ચીફ ફાયર ઓફિસરની નિમણુક બાબતે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તેમની પાસે ચીફ ફાયર ઓફિસરની લાયકાત નથી, તેમણે ઓનલાઇન ફોર્મમાં દર્શાવેલી માહિતીઓમાં ભારે વિસંગતતાઓ છે તો સવાલ એ થાય છે કે ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા વખતે મનોજ પાટીલનો ઇન્ટરવ્યુ કોણે કોણે લીધો હતો?  ચીફ ફાયર ઓફિસરનની ભરતી પ્રક્રિયા માટે સિલેક્શન કમિટી જો રચાઇ હતી તો સિલેક્શન કમિટીમાં કોણ કોણ હતું અને તે તમામ સભ્યોનો શું મત હતો તે જાહેર કરવું પણ જરુરી છે. મનોજ પાટીલે રજુ કરેલા દસ્તાવેજોની ઇન્ટરવ્યુ  વખતે ચકાસણી કરાઇ હતી કે કેમ અને જો દસ્તાવેજો ચકાસાયા હતા તો કોણે ચકાસ્યા હતા તે પણ જાહેર કરવું જરુરી છે. આ તમામ બાબતોની તપાસ થવી જરુરી છે. ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં કંઈક રંધાયું છે તે વાત નક્કી છે. જો તમામ ઉમેદવારોના દસ્તાવેજો ચકાસાયેલા હોય તો મનોજ પાટીલના દસ્તાવેજ ચકાસતી વખતે સંબંધીત અધિકારીઓનું કેમ ધ્યાન ના ગયું અને જો ધ્યાન ગયું હોય તો કેમ આંખ આડા કાન કરવામાં આવ્યા. કોના કહેવાથી મનોજ પાટીલની આ ગંભીર ભુલોની અવગણના કરાઈ અને તેમને તત્કાલ નિમણુકનો ઓર્ડર પકડાવી દીધો તે પણ મોટો સવાલ છે. મનોજ પાટીલની નિમણુક કરતી વખતે તેની લાયકાત ના હોવા છતાં કેમ તેમની પસંદગી કરાઈ અને સભાએ તેને મંજૂરી પણ આપી દીધી તે પણ ગંભીર બાબત છે અને આ તમામ બાબતોની ઉંડી તપાસ થવી જરુરી છે. 


આ પ્રકારની ભરતીના કારણે વડોદરા શહેરના ફાયર બ્રિગેડને શું ફાયદો થવાનો હતો તે પણ સત્તાધીશોએ વડોદરા શહેરને જણાવવું પડશે કારણ કે આ સીધી આગ સાથે રમત છે અને તેમાં જો ધ્યાન ના રખાયું તો દાઝી જવાની પણ શક્યતા છે.લો બોલો...આરોગ્ય શાખાના હેડ ફાયર વિભાગના પણ હેડ છે...હવે અમે એક નવાઇ પમાડે તેવી વાત કરવા જઇ રહ્યા છીએ..પાલિકાની આરોગ્ય શાખાના વડા ડો.દેવેશ પટેલ ફાયર બ્રિગેડ વિભાગનાં ડેપ્યુટી કમિશનર છે. પાલિકામાં કેવું પોલમપોલ અને લોલમલોલ ચાલે છે તેનો આ પુરાવો છે. ડો.દેવેશ પટેલ આરોગ્ય સાથે સંકળાયેલા છે અને તે આરોગ્ય વિભાગના હેડ હોય તે સમજી શકાય છે પણ તેમને ફાયર વિભાગના વડા પણ બનાવી દેવાયા છે. આરોગ્ય અને ફાયર સેફ્ટીને આમ તો સીધી રીતે કોઇ જ લેવાદેવા જણાતી નથી. દેવેશ પટેલ તેમના ફિલ્ડમાં તજજ્ઞ હોઈ શકે,પણ તેમને ફાયર સેફ્ટીના મુદ્દાઓની જ્યારે ચર્ચા કરવાની આવે ત્યારે તે શું બોલી શકે? તે ફાયર સેફ્ટીના એક્સપર્ટ તો નથી જ. ફાયર સેફ્ટીનો વિષય ભલે આરોગ્યની જેમ શહેરીજનોની સુખાકારી સાથે સંકળાયેલો હોય પણ એનો મતલબ એ તો નથી જ કે તમે આરોગ્ય વિભાગના વડાને ફાયર સેફ્ટી ફાયર ઇમરજન્સીના વડા પણ બનાવી દો.સામાન્ય વહિવટ વિભાગ કોના ઈશારે કામ કરી રહ્યો છે તે સમજી શકાય તેમ છે.સમગ્ર મામલામાં પાલિકાનો સામાન્ય વહિવટ વિભાગ ભેરવાઇ ગયો છે.  કોઇના દબાણથી તેણે ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટિલને એપોઇન્ટમેન્ટ લેટર તો આપી દીધો પણ એપોઇન્ટમેન્ટ પહેલાં જે દરેક ઉમેદવારો સાથે પ્રક્રિયા કરવામાં આવી જોઇએ તે પ્રક્રિયા મનોજ પાટીલ સાથે કરવામાં આવી ન હતી કારણ કે એપોઇન્ટમેન્ટ લેટર આપી દીધા પછી વિવાદ સર્જાયા બાદ,નિમણૂંક બાદ સામાન્ય વહિવટ વિભાગે મનોજ પાટીલને બોલાવીને તેમના દસ્તાવેજોની ફેર તપાસ કરી હતી. વાસ્તવમાં ભરતી પ્રક્રિયાના આખરી તબક્કા વખતે પહેલાં જ ઉમેદવારના તમામ દસ્તાવેજો ચકાસી લેવાય છે. પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે જો મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સીટીમાંથી કોર્સ કરેલો છે તો તે કોર્સના સર્ટિફીકેટ સાચા છે કે ખોટા તેની ગુજરાત યુનિ.પાસે ખરાઇ કેમ કરાવી નહી. રજુ કરાયેલા દસ્તાવેજો અસલી છે કે નકલી તેની ચકાસણી પણ કરવામાં આવી નથી. કે ગુજરાત યુનિ.ને પણ કોઇ જાણ કરાઇ નથી. વહિવટી વિભાગે તો નોટિસ આપીને ગાળીયો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.તેથી જ આ વિવાદ વધુ વકરી રહ્યો છે. હાલ બીએસસી (ફાયર સેફ્ટી) જેવો કોઇ જ ડીગ્રી કોર્સ ગુજરાત યુનિ. માં નહી હોવાનો ઘટસ્ફોટ ગુજરાત યુનિવર્સીટીની સત્તાવાર વેબસાઇટમાં મનોજ કુમાર પાટીલે જે કોર્સ કરેલો છે તે બીએસસી (ફાયર સેફ્ટી) નામનો કોર્સનો કોઇ જ ઉલ્લેખ જણાતો નથી. યુનિ.ની વેબસાઇટમાં ઓલ કોર્સમાં જઇને જો તપાસ કરવામાં આવે તો વિવિધ વિષયોના ઢગલાબંધ અભ્યાસક્રમો જોવા મળે છે પણ ક્યાંય બીએસસી (ફાયર સેફ્ટી)નો કોર્સ હોય તેવું જોવા મળ્યું નથી. બની શકે કે યુનિ.દ્વારા આ કોર્સની માહિતી વેબસાઇટ ઉપર ના મુકાઇ હોય પણ આટલો મહત્વના કોર્સની માહિતી ગુજ.યુનિ વેબસાઇટ પર ના મુકે તે દલીલ સ્વીકારાય તેવી તો નથી જ અને તેથી જ પાલિકા દ્વારા મનોજ પાટીલે રજુ કરેલી ગુજરાત યુનિની ડિગ્રી અસલી છે કે પછી નકલી?, તેની ગુજરાત યુનિ.પાસે ચકાસણી કરાવવી અત્યંત જરુરી છે. મનોજ પાટીલનું ભોપાળું..કહ્યુ ટાઇપીંગમાં ભુલ થઇ ગઇ !! મનોજ પાટીલને જ્યારે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ફરીથી દસ્તાવેજોની ચકાસણી માટે અસલ અને ઝેરોક્ષ સાથે બોલાવાયા ત્યારે ઓનલાઇન ફોર્મમાં તેમણે ગુજરાત યુનિ મહારાષ્ટ્રમાં આવેલી હોવાનું દર્શાવેલું છે તે સંબંધીત ચકાસણી કરાઇ ત્યારે તેમનું મોટુ ભોપાળુ બહાર આવ્યું હતું. તેમણે એવો બચાવ કર્યો કે મારાથી ભુલ થઇ ગઇ છે અને મે ભુલથી ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્ર લખી દીધું છે. મનોજ પાટીલની આ ભુલ કોઇકાળે સ્વીકારી શકાય તેમ નથી. ભરતી પ્રક્રિયાના નિયમોમાં સ્પષ્ટ લખેલું છે કે ફોર્મમાં પણ જો ખોટી માહિતી અપાઇ હશે તો ફોર્મ રદ કરાશે અને નિમણુક કરાઇ હશે તો નિમણુક પણ રદ થઇ જશે. મનોજ પાટીલે જે ભુલ કરી છે તે જોતાં તત્કાળ તેમની નિમણુક રદ થવી જોઇએ તેવું પાલિકાના ભરતી નિયમો જ કહે છે પણ પાલિકાના અધિકારીઓ કોઇ પણ ભોગે  આ નિમણુકને યથાવત રાખવા માગે છે કારણ કે 'કોઇક' નું દબાણ છે. ફોર્મ ભરવામાં તો ભુલ થઇ શકે, તેમાં કોઇ મોટી વાત નથી અમે મનોજ પાટીલને શુક્રવારે તમામ  અસલ દસ્તાવેજો અને ઝેરોક્ષ સાથે બોલાવ્યા હતા. તમામ દસ્તાવેજોની ફરીથી એક વાર ચકાસણી થઈ રહી છે. તેમણે સ્વીકાર્યું છે કે ઓનલાઇન ફોર્મમાં ભુલથી ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્ર લખાઇ ગયું છે. આવી ટાઇપીંગમાં ભુલ કોઇની પણ થઇ શકે છે અને તે કોઇ મોટી બાબત નથી. તેમની અન્ય બાબતોની પણ  તપાસ કરવામાં આવશે અને તેમને આ બાબતે મૌખીક જાણ પણ કરી દીધી છે. તેઓ મહારાષ્ટ્રમાં નોકરી કરતી વખતે મંજૂરી લઇને ગુજરાત યુનિ.માં ભણ્યા છે. પહેલા પણ અમે દસ્તાવેજો ચેક કરેલા હતા અને ફરીથી પણ ચેક કર્યા છે. બધુ બરાબર છે.તરુણ શાહ, વહિવટી અધિકારી, સામાન્ય વહિવટ વિભાગ , વડોદરા મહાનગરપાલિકા પાલિકાની ભરતીના નિયમ ક્રમાંક 26નો અમલ કરાશે કે કેમ પાલિકાના ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીના નિયમ 16 મુજબ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઇન અરજી કરવી અને ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને પછી જ અરજી સબમીટ કરવી અને ગુજરાત સરકારના સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હસ્તકના કોર્પોરેશન કે કંપનીઓમાં સેવા બજાવતા અધિકારી કે કર્મચારીઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી વખતે ઉમેદવારે સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. આ ઉપરાંત નિયમ 19 મુજબ સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં ફજ બજાવતા ઉમેદવારોએ ખાતાના વડા કે વિભાગ દ્વારા તેમની છેલ્લા 5 વર્ષની કામગિરીનો તથા વર્તણુકનો અહેવાલ કોઇ શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલ હોય તો તેની વિગતો પણ રજુ કરવાની રહેશે, ખાસ તો નિયમ 26 મુજબ ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવી હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજી પત્રક કે નિમણુક કોઇ પણ તબક્કે રદ કરવામાં આવશે,પાલિકાએ પોતાના જ ભરતીની નિયમોનો ભંગ કર્યો વળી પાલિકાની ભરતીના 11 નંબરનાં નિયમમાં પાલિકા પોતે જ કહે છે કે જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ માન્ય ગણાશે તે પહેલાનો અનુભવ કોઇ પણ સંજોગોમાં માન્ય ગણાશે નહી. અનુભવના પુરાવા તરીકે માત્ર ઓફ લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અમાન્ય ગણાશે પણ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ પગાર સહિતના પુરાવા કે અન્ય આધારભુત ગણી શકાય તેવા પુરાવા રજુ કર્યેથી તેની પુરતી ચકાસણી કરાયા બાદ યોગ્ય જણાયેથી આવો અનુભવ માન્ય ગણવા સક્ષમ અધિકારીનો નિર્ણય આખરી રહેશે,. પાલિકાનો આ નિયમ મનોજ પાટીલ માટે પણ લાગુ પડે છે અને કે અગે પાલિકાના કમિશનરે જ સાચો નિર્ણય લેવાનો છે.મનોજ પાટીલની સિલેક્શન કમિટીમાં હું હતો પણ જે પ્રમાણપત્રોની ચકાસવાની જે વાત છે તે તો સામાન્ય વહિવટ વિભાગ જ કરે છે અને ત્યાંથી યોગ્ય ચકાસણી થયા બાદ જ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવામાં આવે છે. અમારે તો ટેકનિકલ બાબતો જ જોવાની રહે છે. આ ઉમેદવાર મંજૂરી લઇને જ ભણ્યો હતો. બાકી મારે વિશેષ કંઇ કહેવું નથી દેવેશ પટેલ. ડે.કમિશનર, વડોદરા મહાનગરપાલિકા નવા ચીફ ફાયર ઓફિસર ખુદ ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનમાં ગેર હાજર શનિવારે આર્ટ ગેલેરી અને નવા ફાયર સ્ટેશન સહિત ઘણા વિકાસના કામોનું લોકાર્પણ હતું પણ નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ઉદ્ઘાટનમાં ગાયબ હતા. ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનમાં ફાયર સ્ટેશનનો જ વડો એવો ચીફ ફાયર ઓફિસર હાજર ના રહે તે શંકા ઉપજાવે તેમ છે. શું કોઇના કહેવાથી તે ઉદ્ઘાટનમાં હાજર રહ્યા ન હતા કે તેમને ત્યાં આવવાની ના પાડી દેવાઇ હતી તે સહિતના ઘણા સવાલો ઉભા થયા છે. ફાયર વિભાગ માટે શનિવારનો દિવસ અગત્યનો હતો પણ ચીફ ફાયર ઓફિસર ખુદ હાજર રહ્યા ન હતા તે શું સુચવે છે તે બધા સમજી શકે તેમ છે.

Reporter:

Related Post