ઇન્ટરનેટ ડેસ્ક: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી વિનાશક પૂર અને કુદરતી આપદા બાદ એક સપ્તાહ વીતી ગયા છતાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આ આપદામાં અત્યાર સુધીમાં 1127 લોકોનાં મોત થયા છે, જ્યારે આશરે 4800 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. લાપતા લોકોમાં લગભગ 500 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
પૂરથી અસરગ્રસ્ત અનેક વિસ્તારોમાં કાદવ અને કાટમાળ જમા થઈ જવાથી રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. અનેક પરિવારો હજુ પણ પોતાના લાપતા સ્વજનો અંગે માહિતી મળવાની રાહ જોઈ રહ્યા છે. નેપાળમાં રસ્તા અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર કામ કરતા અનેક ચીની નાગરિકો પણ લાપતા થયા છે. જેમાં આશરે 100 ચીની નાગરિકોનો સમાવેશ થાય છે.
આ આપદા વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના પણ સામે આવી છે. એક નેપાળી યુવતીએ જણાવ્યું કે પૂરથી સર્જાયેલી તબાહીમાં તેણે પોતાના પરિવારના 17 સભ્યો ગુમાવ્યા છે. સુરક્ષા દળો અને રાહતકર્મીઓ પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ નદીઓના નીચાણવાળા વિસ્તારોમાં સતત લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે.
ભારતે મોકલી પાંચમી સહાય ઉડાન
નેપાળમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે ભારત તરફથી સતત રાહત સહાય મોકલવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે ભારતે પોતાની પાંચમી સહાય ઉડાન પણ રવાના કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી છે.
Reporter: admin







