દેશભરમાં ચોમાસું ફરી સક્રિય બનતાં હવામાનનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી જાહેર કરી છે. અહેવાલો મુજબ 17 જેટલા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પૂર, આકાશી વીજળી અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે
ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં પણ લાંબી રાહ બાદ ચોમાસાની અસરકારક એન્ટ્રી થઈ છે. શહેર અને આસપાસના ઉપનગરોમાં વહેલી સવારથી જ ઘેરા વાદળો છવાયા હતા અને બાદમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન મુંબઈગરાઓને આ પ્રથમ વરસાદે મોટી રાહત આપી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, પ્રથમ વરસાદ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 12 કલાક દેશના અનેક રાજ્યો માટે મહત્વપૂર્ણ બની શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ઓલાવૃષ્ટિ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવનની પણ ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે, જ્યારે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને કારણે સામાન્ય જનજીવન, માર્ગ વ્યવહાર અને હવાઈ સેવાઓ પર અસર પડી શકે છે. ચોમાસાના આ તબક્કામાં સૌથી મોટો પડકાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવું, ટ્રાફિક જામ અને પૂર જેવી પરિસ્થિતિ રહેશે. હાલની સ્થિતિ જોતા આગામી બે-ત્રણ દિવસ સુધી દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Reporter: admin







