વડોદરા : સંસ્કારી નગરી તરીકે જાણીતી વડોદરા નગરીના સંસ્કારના બિરૂદને ઠેસ પહોંચે તેવી ઘટના સામે આવી છે. જેમાં લોકોની રક્ષા કરતી પોલીસ માનવતા ભૂલી ગઇ હતી.

મળતી માહિતી મુજબ વડોદરા પોલીસ માનવતા મરી પરવારી હોય એવી સ્થિતિ સામે આવી છે. જેમાં માંજલપુર વિસ્તારમાં પુત્ર અને પૂત્રવધૂથી પીડિત વૃદ્ધા માંજલપુર પોલીસ સ્ટેશને મદદ માટે આવ્યા હતા. ત્યારે ફરિયાદ લઇને તેઓની સામે પગલાં ભરવાની જગ્યાએ માંજલપુર પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. વૃદ્ધાની આંખના આંસુ પણ માંજલપુર પોલીસને દેખાયા ન હતા.દીકરા અને પુત્રવધૂએ માર માર્યાની ફરિયાદ લઈને વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સૂરજ બાના મોઢામાં ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા. ત્યારે કલાકો સુધી વૃદ્ધા આંસુ સારતા રહ્યાં અને પોલીસ નિષ્ઠુર બનીને જોતી રહી હતી.
જે બાદ મદદની આશાએ ગયેલા વૃદ્ધા રડમસ ચહેરે પરત ફર્યા હતા. ત્યારે લોકોની મુશ્કેલીઓ દૂર કરતી પોલીસે આજે માતાને વધારે પરેશાનીમાં મુક્યા હતા.વડોદરાની માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીઓની આ ઘોર બેદરકારીના કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં અમુક રહીશોએ જણાવ્યું હતુ કે કોઇ મોટા લોકોના પ્રસંગે ખડે પગે રહેતી પોલીસને આવા લોકોની પરેશાનીની સહેજ પણ પડી નથી. આખા સ્ટેશનને સસ્પેન્ડ કરીને વૃદ્ધાની માફી મંગાવવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી.આ વિવાદ મીડિયામાં ચમકતા માંજલપુર પોલીસ દોડતી થઈ હતી અને વૃદ્ધાનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin