અમદાવાદઃ મોરબીમાં નવેમ્બર 2022માં મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજયાં હતા.
બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આ કેસમાં નવો વણાંક આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સરકારે ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા -ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, બે મેનેજર સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો. જો કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી આરોપીઓ જેલમાં રહ્યા બાદ હાલમાં તમામ આરોપીઓ જેલમુક્ત છે ત્યારે મંગળવારે મોરબી કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકારપક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું.
સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવે તે પહેલા જયસુખ પટેલ સહિતના આરોપીઓના વકીલ તરફથી ડિસ્ચાર્જ માટેની પાંચ અરજીઓ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ જે કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે તે મુજબ તેમની સામે કોઈ ગુનો બનતો ન હોવાથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી અરજી આરોપીઓના વકીલે કોર્ટમાં કરી હતી.ઉલ્લેખનીય છે કે લાંબા સમય જેલમાં રહ્યા બાદ જયસુખ પટેલ જામીનમુક્ત થયા હતા. આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિકટીમ એસોસિએશન દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓને કોર્ટે રદ કરી હતી. તાજેતરમાં જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી ત્યારે પણ વિવાદ થયો હતો.
Reporter: admin