ગોધરા : પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર મહાકુંભમાં સ્નાન કરવાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરીને પરત ફરી રહેલા ગોધરાના વૃધ્ધ મહિલાએ ગોધરા પહોંચતા પહેલા જ અંતિમયાત્રાએ પ્રયાણ કરી દીધુ.
આ ઘટનાથી માતા સાથે કુંભમાં ગયેલી પુત્રી આઘાતમાં સરી પડી હતી પરંતુ માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હોવાના સંતોષ સાથે માતાને વિદાય આપી હતી.કોમલબેન અને તેમના માતા હંસાબેન ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને અહીથી તેઓ ખાનગી ટેક્સી કરીને ગોધરા આવવા નીકળ્યા હતા. દરમિયાન હંસાબેન કારમાં ઊંઘી ગયા હતા. કાર જ્યારે ગોધરામાં ઘર પાસે પહોંચી ત્યારે કોમલબેને કહ્યું કે મમ્મી ઘર આવી ગયું છે.
પરંતુ હંસાબેન કઈ બોલચાલ ના કરતા કોમલબેન ગભરાઈ ગયા હતા અને ડોક્ટરને ઘરે બોલાવી તપાસ કરાવતા ડોક્ટરે હંસાબેનને મૃત જાહેર કર્યા હતા. કોમલબેનના પિતા એટલે કે હંસાબેનના પતિનું આઠ મહિના પહેલા જ મૃત્યુ થયુ હતું. તેના થોડા સમય પહેલા કોમલબેનના ભાઇ કેનાલમાં અકસ્માતે પડી જતા તેનુ મૃત્યુ થયું હતું પરિવારમાં ૩ પુત્રીઓ અને માતા રહ્યા હતા જેમાં એક બહેન વડોદરા સાસરે છે જ્યારે કોમલબેન અને તેમના બીજા બહેન માતા સાથે ગોધરામાં રહેતા હતા. હંસાબેનના મૃત્યુ બાદ અંતિમ વિધિ કોમલબેન અને તેમના બહેનોએ કરી હતી.
Reporter: admin