વડોદરાના માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય અને પ્રખર શિવભક્ત સ્વર્ગસ્થ યોગેશ પટેલના સંકલ્પને પૂર્ણ કરવા માટે સત્યમ શિવમ સુન્દરમ સમિતિ (ટ્રસ્ટ) દ્વારા ભવ્ય ધાર્મિક આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમના સુપુત્ર રાકેશ પટેલ, પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોના સહયોગથી આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ આયોજનના પ્રથમ તબક્કામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વપ્રસિદ્ધ શ્રી કેદારનાથ મહાદેવ મંદિરને 11 લાખ રુદ્રાક્ષ અને ડમરુથી શણગારવામાં આવશે. આ સેવા કાર્યમાં વડોદરાના ડમરુવાલા ફાઉન્ડેશનના 150થી વધુ ધર્મપ્રેમી યુવાનો અને સેવાદારો જોડાશે. તેઓ કેદારનાથ ધામ પહોંચી મંદિરના શણગારમાં સેવા આપશે.
સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા આ કાર્ય માટે 11 લાખથી વધુ રુદ્રાક્ષ, ડમરુ અને અન્ય જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ નેપાળથી મંગાવવામાં આવેલા રુદ્રાક્ષ હાલમાં વડોદરાના શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યા છે.
સોમવાર, 6 જુલાઈથી શ્રી જાગનાથ મહાદેવ મંદિરે રુદ્રાક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ કરીને તેની માળા બનાવવાના કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં મોટી સંખ્યામાં શિવભક્તો અને સેવાભાવી કાર્યકરો જોડાઈ રહ્યા છે. અંદાજે સાડા ચાર ટન રુદ્રાક્ષ અને અન્ય સામગ્રી અષાઢ માસના અંતિમ સપ્તાહ દરમિયાન શ્રી કેદારનાથ ધામ મોકલવામાં આવશે.
સમિતિના જણાવ્યા મુજબ, માત્ર શ્રી કેદારનાથ મંદિર જ નહીં પરંતુ વિશ્વના સૌથી વધુ ઊંચાઈ પર આવેલા શ્રી તુંગનાથ મહાદેવ મંદિરને પણ રુદ્રાક્ષ અને ડમરુથી શણગારવામાં આવશે. આ આયોજન દ્વારા સ્વર્ગસ્થ યોગેશ પટેલની શિવભક્તિ અને તેમના સંકલ્પને સાકાર કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે શરૂ થયેલા આ ભગીરથ કાર્યમાં વધુને વધુ શિવભક્તો સહભાગી બને અને સેવા આપે તે માટે સત્યમ શિવમ સુન્દરમ સમિતિ (ટ્રસ્ટ) દ્વારા સૌને આહવાન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં યોજાનાર આ વિશેષ શણગાર મહાદેવના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Reporter: admin







