વોશિંગટન : ભારતીય મૂળના કાશ પટેલે શનિવારે ભગવદ ગીતા પર હાથ રાખીને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, તેમને યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ શપથ લેવડાવ્યા. કાશ પટેલ મૂળ ભાદરણના વતની છે.
ભાદરણ ગામે આવેલા મહાદેવવાળા ફળિયામાં તેમનું પૈતુક મકાન હતું. તેમના દાદા રમેશભાઈ પટેલ આશરે 70થી 75 વર્ષ પહેલાં આફ્રિકાના યુગાન્ડા ખાતે જઈને વસ્યા હતા.અને ત્યાં ઈદી અમીનની રંજાડ બાદ તેમનો પરિવાર કેનેડા અને ત્યાંથી અમેરિકા ભાગી છૂટ્યો હતો.બોરસદ તાલુકાના ભાદરણ ગામે મહાદેવવાળા ફળિયામાં તેમનું જે પૈતુક મકાન આવેલું હતું, જેને તેમણે વેચી નાંખ્યું છે. હાલ તે સ્થળે ખુલ્લી જમીન છે. તેમજ ભાદરણ ગામની સીમમાં તેમના બાપદાદાની વડીલોપાર્જિત જમીનો આવેલી છે જેમાં આજે પણ કશ્યપ પટેલના પિતા અને દાદાનું નામ બોલે છે.આ નિમણૂકને લઈ ભાદરણ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોની છાતી ગજ ગજ ફૂલી ગઈ છે.
આ અંગે ભાદરણ ગામે રહેતા યશભાઈ પટેલે જણાવ્યું હતું કે કાશ પટેલ અમારા કૌટુંબિક ભાઈ થાય છે. મારા દાદા અને તેમના દાદા પિતરાઈ ભાઈઓ હતા. તેમની જમીનો પણ હાલ ભાદરણ ખાતે આવેલી છે. તેમનું જે મકાન હતું તે વેચી દીધેલું છે. અમારા કૌટુંબિક ભાઈની એફબીઆઇના ડિરેક્ટર તરીકે નિમણૂક થતા અમારા પૂરા પરિવાર અને ખાનદાન માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે.કાશ પટેલ ભારતીય ઇમિગ્રન્ટ્સનો દીકરો છે. તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 1970ના દાયકામાં યુગાન્ડાના શાસક ઈદી અમીને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યા બાદ કાશ પટેલના માતા-પિતા કેનેડા થઈને અમેરિકા ભાગી ગયા હતા. 1988માં પટેલના પિતાને અમેરિકી નાગરિકતા મળ્યા બાદ એક વિમાન કંપનીમાં નોકરી મળી.
Reporter: admin