News Portal...

Breaking News :

અખબારના પાનાંમાંથી ઇતિહાસ સુધી; કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી બીના ખીમાણી

2026-07-25 12:45:15
અખબારના પાનાંમાંથી ઇતિહાસ સુધી; કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી બીના ખીમાણી

દેશભક્તિ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વર્ષો સુધી જતનપૂર્વક સાચવવામાં આવેલી યાદોમાં પણ જીવંત રહી શકે છે. તેનું જીવંત ઉદાહરણ વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતી નિવૃત્ત ભારતીય સૈનિકની પુત્રી બીના ખીમાણી છે. તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચાર, દુર્લભ તસવીરો, વીર જવાનોની શૌર્યગાથાઓ અને યુદ્ધ સંબંધિત મહત્વની માહિતી એકત્રિત કરીને તૈયાર કરેલી અનોખી સ્ક્રેપબુક છેલ્લા ૨૭ વર્ષથી પોતાની અમૂલ્ય ધરો તરીકે સાચવી રાખી છે.


કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ બીના ખીમાણીએ આ ઐતિહાસિક સંગ્રહને રાષ્ટ્રીય સ્તરે સંરક્ષિત કરવાની લાગણીસભર અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આ સ્ક્રેપબુક માત્ર અખબારના કટિંગ્સનો સંગ્રહ નથી, પરંતુ કારગિલના અમર શહીદો અને વીર જવાનોના શૌર્ય, બલિદાન અને દેશપ્રેમની જીવંત ગાથા છે.

નિવૃત્ત ભારતીય સૈનિકની પુત્રી હોવાના કારણે બાળપણથી જ તેમના મનમાં દેશસેવા અને સૈનિકો પ્રત્યે વિશેષ આદરની ભાવના હતી. તેઓ પોતે પણ ભારતીય સેનામાં જોડાઈ દેશસેવા કરવા ઇચ્છતા હતા, પરંતુ સંજોગોને કારણે તે શક્ય બન્યું નહોતું. જોકે દેશપ્રેમની આ ભાવનાને તેમણે એક અનોખા કાર્ય દ્વારા જીવંત રાખી. કારગિલ યુદ્ધ દરમિયાન તેમના ઘરે આવતાં હિન્દી અખબારમાંથી તેઓ રોજ યુદ્ધ સંબંધિત સમાચાર, તસવીરો અને બહાદુરીની ગાથાઓ કાપીને વ્યવસ્થિત રીતે સ્ક્રેપબુકમાં સંગ્રહિત કરતા ગયા. સમય જતાં આ સંગ્રહ એક ઐતિહાસિક દસ્તાવેજનું સ્વરૂપ ધારણ કરતો ગયો.

બીના ખીમાણીના જણાવ્યા મુજબ આજે સ્ક્રેપબુકના પાનાં સમયના પ્રભાવને કારણે નાજુક બની ગયા છે. તેથી હવે તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ થવું અત્યંત જરૂરી છે. તેઓ માને છે કે આ પ્રકારનો સંગ્રહ ભાવિ પેઢીને કારગિલ યુદ્ધના ઇતિહાસ અને ભારતીય સેનાના શૌર્ય વિશે જાણવાની અનોખી તક આપી શકે છે. તેમની ઇચ્છા છે કે આ સ્ક્રેપબુકને એક દિવસ કારગિલ વોર મેમોરિયલ અથવા અન્ય કોઈ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સ્થાન મળે અને દેશના શૂરવીરોની ગૌરવગાથાના સાક્ષી તરીકે ભાવિ પેઢીઓ સુધી પહોંચે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે બીના ખીમાણીની દેશપ્રેમથી પ્રેરિત અનોખી પહેલને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા અને દેશના શૂરવીરોની યાદોને સાચવી રાખવાનો તેમનો પ્રયાસ પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતુ.  ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ સમાપ્ત થયેલા કારગિલ યુદ્ધે ભારતીય સેનાના અદમ્ય શૌર્ય, પરાક્રમ અને બલિદાનની ગાથા સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. લગભગ ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય જવાનોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં અસાધારણ બહાદુરી દાખવીને વિજય મેળવ્યો હતો. આજે પણ કારગિલના શહીદો અને વીર જવાનોનું બલિદાન દેશવાસીઓ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે.

બીના ખીમાણીની ૨૭વર્ષ જૂની આ સ્ક્રેપબુક સાબિત કરે છે કે દેશપ્રેમ માત્ર સરહદ પર જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના હૃદયમાં પણ એટલો જ જીવંત હોય છે. આ અનોખો સંગ્રહ દેશના ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવાનો એક નિઃસ્વાર્થ પ્રયાસ છે,

Reporter: admin

Related Post