વડોદરા : શહેર મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિનું પુનઃનિર્માણ ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવા પ્રથમ ફેઝ માટે રૂપિયા 1200 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ 100 દિવસમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. 10 જૂન છેલ્લો દિવસ છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે 24.7 કિલો મીટરમાં કામગીરી કરવાની હતી એ પૈકી 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા જે 25 કિલોમીટરમાં કામગીરી કરવાની હતી એ પૈકી 90 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ સ્થિતિ વચ્ચે વિશ્વામિત્રી નદીકિનારે પહોંચીને રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં વાસ્તવિકતા જોતાં બંને વિભાગનું 20થી 30 ટકા કામ બાકી હોવાનું જણાય છે. ત્યારે બંને વિભાગની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય છે કે કેમ એ જોવું રહ્યું.વિશ્વામિત્રી નદીમાં અંદાજે 5 કિમીની કામગીરી બાકી આ કામગીરી અંગે ભાસ્કરે વિશ્વામિત્રી પ્રોજેક્ટના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર લક્ષ્યાંક નેદરિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાંથી પસાર થતી 24.7 કિલોમીટરની કામગીરી પાલિકાને કરવાની છે. દેણા ગામથી મારેઠા સુધીમાં પાલિકા દ્વારા 85 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં અંદાજે 5 કિલોમીટરની કામગીરી બાકી છે. આગામી 10થી 15 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જશે.નદીમાંથી 7,24,840 ક્યુબિક મીટર માટી કઢાઈ તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાંથી 15,40,000 ક્યુબિક મીટર માટી કાઢવાની હતી.

એ સામે 17,24,840 ક્યૂબિક મીટર માટી કાઢવામાં આવી છે. જ્યારે આજવા સરોવરમાંથી ખોદકામ કરીને આજવા સરોવરની સંગ્રહ શકિત જે 64 MCM હતી. તેમાં 4 મિલીયન ક્યુબીક મીટર ( MCM ) વધારો કરાશે. તેજ રીતે પ્રતાપ સરોવરની સંગ્રહ શકિત 5 MCM હતી. તેમાં ખોદકામ કરીને 9 MCM સંગ્રહ શકિત વધારવામાં આવી છે.‘આજવા સરોવર-પ્રતાપપુરા સરોવરને ઉંડુ કરવા ખર્ચ કરવો પડ્યો નથી’ ઉલ્લેખનીય છે કે, પાલિકાએ આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને ઉંડુ કરવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નથી. લોકો જાતે ખોદકામ કરીને માટી લઇ જવાની જાહેરાત કરવામાં આવતા આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાએ રૂપિયા 45 કરોડ બચાવ્યા છે.હાઇવેથી શહેરમાં આવતા પાણીને અટકાવવા માટે કામગીરી પાલિકા દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદી ઉંડી, પહોળી અને સફાઇ કરવાની કામગીરી કરવા ઉપરાંત હાઇવેથી શહેરમાં આવતા પાણીને અટકાવવા માટે કાંસની સફાઇ, પાઇપ પુશીગના કામ, વડોદરા શહેરના રૂપારેલ, મસીયા સહિતના કાંસની સફાઇ તેમજ શહેરના તળાવોની સફાઇ અને ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. દેણા સૂર્યા નદીના કિનારે 2.5 MCM પાણી સંગ્રહ થઇ શકે તેટલું 3.5 હેક્ટરમાં 5 મીટર ઉંડુ બફર લેક તૈયાર કરવામાં આવ્યું છે. પરિણામે વિશ્વામિત્રી નદીમાં પાણીની વહન શક્તિ ઓછી થશે.
Reporter: admin