અણ્ણા હજારે ની ચળવળમાં થી આમ આદમી પાર્ટી - આપનો એક રાજકીય પક્ષ તરીકે જન્મ થયો અને દેશની રાજકીય ક્ષિતિજે આ પક્ષે સ્થાપના કાળે જ અદભુત સફળતા મેળવી.જો કે પ્રેરણાદાતા અણ્ણા હજારે તે પછી હાંસિયા માં ધકેલાઈ ગયા અને કવિ કુમાર વિશ્વાસ સહિત અનેક મજબૂત સાથીઓનો આ પક્ષ અને સર્વોપરી નેતા અરવિંદ કેજરીવાલ થી મોહ ભંગ થયો.એવું પણ કહેવાય છે કે કોંગ્રેસ ને નબળી કરવા આ આંદોલન તે સમયના અન્ય વિપક્ષો અને આજના સત્તા પક્ષો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.તેનો લાભ મળ્યો ખરો પરંતુ આપ અને કેજરીવાલ એક સશક્ત રાજકીય ખેમા તરીકે ઉભરી આવ્યા અને દિલ્હી ઉપ રાજ્યમાં જ્વલંત સફળતા સાથે સત્તા હાંસલ કરી.કેન્દ્રમાં સત્તા માં છે તેવા ભારતીય જનતા પક્ષના નાકતળે દિલ્હી કબ્જે કર્યું અને સફળતા નું પુનરાવર્તન કર્યું.રાતોરાત સ્થાપિત અને લાઇમ લાઈટ એટલે કે સત્તાના ઝળહળાટ ના કેન્દ્રમાં આવી ગયેલા આ રાજકીય પક્ષે અન્ય રાજ્યોની ચુંટણીઓ માં ભાગ લેવાનું શરૂ કર્યું.૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં અને તે અગાઉ મહાનગર પાલિકાઓ અને સ્થાનિક પ્રશાસન ની ચુંટણીઓ માં આ પક્ષે ઝંપલાવ્યું.સુરતમાં અને અન્ય કેટલીક જગ્યાઓ એ નોંધપાત્ર સફળતા મેળવી.ગુજરાત વિધાનસભામાં ૫ ધારાસભ્યો ચુંટાયા અને આપ ને મળેલા મતોને લીધે કોંગ્રેસની અભૂતપૂર્વ અને કારમી હાર થઈ.આમ,ગુજરાતમાં આપની ઉપસ્થિતિ થી ભાજપ ને અણધાર્યો લાભ થયો.પંજાબની વિધાનસભા ચૂંટણીઓ માં અભૂતપૂર્વ વિજયથી પક્ષની રાષ્ટ્રીય આકાંક્ષાઓ વધી.
સાથોસાથ આ સમયગાળામાં દિલ્હીની સરકાર સામે શરાબ નીતિ કૌભાંડના આરોપ હેઠળ પ્રવર્તન નિર્દેશાલય દ્વારા કેસો કરવામાં આવ્યા અને હાલમાં મુખ્યમંત્રી સહિત પ્રમુખ નેતાઓ જેલમાં છે.દિલ્હીના ઉપરાજ્યપાલ જાણે કે કેન્દ્ર સરકાર વતી દિલ્હીની આપ સરકાર સામે મોરચો માંડી રહ્યા છે.આમ,આ પક્ષને ભારતીય જનતા પક્ષ અને સરકાર,એમ બે મોરચે લડવાનું આવ્યું છે.વિપક્ષો પૈકી કોંગ્રેસ સાથે આપે ખાસ સુમધુર સંબંધો રાખ્યા નથી.છતાં,ઇન્ડિયા ગઠબંધનમાં તેને આવકારવામાં આવ્યો અને માન પણ આપવામાં આવ્યું.તાજેતરની લોકસભા ચૂંટણીઓમાં અદાલત દ્વારા અરવિંદ કેજરીવાલ ને મુખ્યત્વે પ્રચાર માટે જામીન આપવામાં આવ્યા ત્યારે પક્ષ ઉત્સાહિત થયો.જો કે મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને આપ સાથે જોડાયેલા રાજ્ય સભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સાથે થયેલા ગેર વર્તન થી વિપરીત અસર પડી.લોકસભાની ચૂંટણી સમયે આવો વિવાદ ટાળવો જરૂરી છે પણ તે ના થઈ શક્યું.મતદાનમાં આ ઘટના થી ગેરલાભ થયાનું સ્પષ્ટ જણાય છે.દિલ્હીની તમામ બેઠકો પર આ પક્ષના અને સાથી પક્ષ કોંગ્રેસના ઉમેદવારો નો આઘાતજનક પરાજય થયો અને આપને લીધે કદાચ કોંગ્રસને નુકશાન થયું અને ભાગલા પણ પડ્યા.
આપનો ગઠબંધન ધર્મ તારું મારું સહિયારું અને મારું મારું આગવું જેવો છે.આપ દ્વારા પંજાબમાં કોંગ્રેસનો છેદ ઉડી જાય એટલી જ બેઠકો આપવાની જીદને પરિણામે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન હોવા છતાં બંને હરીફ પક્ષો તરીકે લડ્યા.દિલ્હીમાં બેઠકોની વહેંચણી કોંગ્રેસે કચવાતા મને સ્વીકારી પરંતુ પ્રજાને કદાચ આ સમજૂતીના ગમી.કેજરીવાલ અને રાહુલ ગાંધીના પ્રચાર છતાં તમામ બેઠકો ભાજપ ને મળી.તેનાથી વિરુદ્ધ પંજાબમાં એકલે હાથે લડવાના કોંગ્રેસના નિર્ણયને સારી સફળતા મળી અને વિધાનસભા ચુંટણી પછી મૃતઃપ્રાય થયેલી કોંગ્રેસ માં નવા પ્રાણ પુરાયા અને પ્રોત્સાહક બેઠકો જીતાઈ.ભારે બહુમત વાળી આપ સરકાર પંજાબને સંભાળી શક્તિ નથી એવી છાપ ઊભી થઈ રહી છે.પંજાબમાં થી બે અપક્ષ સાંસદો ચુંટાયા છે જે અલગાવવાદી તાકતો ના ફરીથી ઉદભવ જેવી ચેતવણી આપે છે.પંજાબ જેવા સંવેદનશીલ રાજ્યમાં ખાલીસ્તાની ચળવળકારો નવેસર થી જોરાવર બને એ પંજાબ માટે અને દેશ માટે સારું નથી.આ ઘટના દર્શાવે છે કે આપની રાજ્ય સરકાર આવા તત્વોને નિયંત્રણમાં રાખવા સક્ષમ નથી. વળી ભાજપ અને એન.ડી. એ.ને અહીં મળેલી ભારે પછડાટ દર્શાવે છે કે પંજાબની સ્થિતિ સંભાળવામાં કેન્દ્ર સરકારે કઠોર પરિશ્રમ કરવો પડશે હવે પછી દિલ્હી વિધાનસભાની ચુંટણીઓ થશે ત્યારે આપ ને પહેલા જેવી સફળતા મળશે કે કેમ એ મોટી શંકાનો વિષય છે કારણ કે દિલ્હીની તમામ લોકસભા બેઠકો વધુ એકવાર ભાજપ ને મળી છે.પક્ષના મુખ્ય નેતાઓ જેલમાં છે.બીજી હરોળ મોરચો સંભાળવામાં ખાસ સક્ષમ નથી.સ્થાપક નેતાઓ પૈકી મોટાભાગના નેતાઓ હવે આપની સાથે નથી. અણ્ણા હજારે ને એમનો પ્રયોગ નિષ્ફળ જવાનો વસવસો થઈ રહ્યો છે.કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો જેલવાસ મોદી ૩ પછી નિકટ ભવિષ્યમાં અને સહેલાઇ થી પૂરો થાય તેમ લાગતું નથી.એક સાંધે ત્યાં તેર તુટે ની પરિસ્થિતિ છે. આવું ચાલુ રહેશે તો આપ આપોઆપ હાંસિયામાં ધકેલાઈ જશે અને અસ્તિત્વ જૉખમમાં મુકાશે.બસ થોભો અને રાહ જુવો...
Reporter: News Plus