વડોદરા જિલ્લા ની એક મહેસૂલી કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ચાર વાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એ છટકું ગોઠવી ચાર લાંચિયાઓ ને ઝડપ્યા.આ અગાઉ એક કચેરીના ઉચ્ચ અધિકારી સામે લાંચ માંગવાની ફરિયાદ અરજદારે કરી.છટકું ગોઠવવામાં આવ્યું.અધિકારીએ ફરિયાદીને નીચેના અધિકારી પાસે મોકલ્યા. એમણે રકમ સ્વીકારી અને કેસ નીચેના અધિકારી સામે નોંધાયો.ફરિયાદી એ મીડિયા સમક્ષ કહ્યું કે માંગણી ઉચ્ચ અધિકારીએ કરી હતી.તેમ છતાં,ઉચ્ચ અધિકારીને મુક્ત રાખવામાં આવ્યા.આ કેસમાં છટકું ગોઠવનાર એસીબી અધિકારી અને પેલા ઉચ્ચ અધિકારી એક જ જ્ઞાતિના હતા એની નોંધ લેવી પડે.જો કે આ જોગ સંજોગ પણ હોઈ શકે.અહીં સવાલ એ થાય છે કે એક જ કચેરીમાં ત્રણ વર્ષના ગાળામાં ચાર કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત નો ગુનો નોંધાય તો સંબંધિત કચેરીના વડા સામે કાર્યવાહી થવી જોઈએ ખરી? શું આવી કચેરીઓ ને રેડ લિસ્ટમાં મૂકવા જેવી કોઈ જોગવાઈ કરવાની જરૂર નથી? અવશ્ય જરૂર છે.આ કચેરીની જ વાત કરીએ તો આ ત્રણ વર્ષના ગાળામાં જુદા જુદા અધિકારીઓના કાર્યકાળમાં આ કેસો થયાં છે.જેમાં કચેરીના વડાની સંડોવણી જણાઈ નથી.પરંતુ પોતાની કચેરીમાં શું ચાલી રહ્યું છે એના પર નજર રાખવાની જવાબદારી તો ઉચ્ચ અધિકારીની જ છે. અહીં સ્પષ્ટ જણાય છે કે અધિકારીઓ બદલાયા પરંતુ આ કચેરીની પરિપાટી કે કાર્ય પદ્ધતિ બદલાઈ નથી.આ પ્રકારના કેસો નોંધાઈ ચૂક્યા હોય એવી બદનામ કચેરીના નવા અધિકારીઓ એ વધુ સતર્ક રહેવું જોઈએ.નિયમિત સમયના અંતરે દરેક કર્મચારીના ટેબલ પર કેટલા કેસો પડતર છે,કયા કારણોસર પડતર છે,આવા કેસોમાં નિકાલની સમય મર્યાદા નું પાલન થઈ રહ્યું છે કે નહિ અને કયા કેસોમાં ગોબાચારી ની સંભાવના છે એની પોતાના અનુભવના આધારે સતત ચકાસણી કરવી જોઈએ. વિવિધ કારણોસર મુદત વિતે કેસ પડતર હોય તો અરજદાર નો સંપર્ક કરી પૂછવું જોઈએ કે કોઈ તકલીફ તો નથી ને?
આ પ્રકારના નિયમો નથી એટલે અધિકારીઓ તાબાના કર્મચારીઓ પર નજર રાખતા નથી.એટલે સેવા નિયમોમાં સર્વ પ્રથમ એવો નિયમ દાખલ કરવો જોઈએ કે કચેરીમાં લાંચનો કેસ બનશે તો એને નિયંત્રણ અધિકારીની નિષ્ફળતા ગણીને,પહેલા એમને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને એમનો ખુલાસો સંતોષ જનક નહિ જણાય તો એમના સી.આર.માં નેગેટિવ રીમાર્ક નોંધવામાં આવશે.આવી જોગવાઇ થશે તો ઉપલા અધિકારીઓ સતર્ક રહીને તાબાના કર્મચારીઓની કામગીરી પર નજર રાખશે.તેના લીધે અરજદારોની અરજીઓ નો સમયસર અને સરળ નિકાલ થશે. રેડ લિસ્ટમાં મૂકવાને પાત્ર હોય તેવી કચેરીઓ ની યાદી એસિબીએ તૈયાર કરી ડમી અરજદાર મોકલીને આકસ્મિક ચકાસણી થવી જોઈએ બીજું કે એકવાર લાંચ રૂશ્વત નો કેસ નોંધાય તો તુરત જ ખાતાએ આવી કચેરીને જોખમી ની શ્રેણીમાં મૂકવી જોઈએ.અને એક થી વધુ કેસો બને તો કચેરી ને રેડ લીસ્ટ હેઠળ મૂકવી જોઈએ.આવી કચેરીઓ પર વડી કચેરીએ કડક નજર રાખવાની સાથે અવાર નવાર તેના તમામ ટેબલ ની ઝીણવટભરી તપાસ સ્પેશિયલ ટીમ મોકલીને ,આકસ્મિક કરવી જોઈએ.જેથી ધાક બંધાશે.કચેરીમાં મુખ્ય અધિકારીનો ખાસ વિશ્વાસુ એકાદ કર્મચારી તો હોય જ છે જે કચેરીની ઝીણી ઝીણી ગતિવિધિઓ થી એમને વાકેફ રાખે છે.આ પ્રકારના સ્ત્રોત વિકસાવી ને ઉચ્ચ અધિકારી કચેરી પર કડક નિયંત્રણ રાખી શકે છે.અને આ રીતે રેડ લિસ્ટમાં મૂકવાને પાત્ર હોય તેવી કચેરીઓ ની યાદી એસિબી દ્વારા પણ તૈયાર કરી શકાય.અને વખતોવખત ડમી અરજદાર મોકલીને આકસ્મિક ચકાસણી થવી જોઈએ.અત્યારે તો લાંચ લેતા પકડાય એને એકલો જવાબદાર ગણી બીજા બધા શાહુકાર ની શ્રેણીમાં આવી જાય છે.પરંતુ પ્રત્યેક ટેબલ પર કામની અગત્યતા અનુસાર ટેબલ તળે ના વહેવારો ની શક્યતા રહેલી જ છે.
કલેકટર સંકલન સમિતિની બેઠકમાં તમામ વિભાગોના જિલ્લા વડાઓ ની ઉપસ્થિતિ અનિવાર્ય જિલ્લામાં દર મહિને કલેકટર સંકલન સમિતિની બેઠક યોજે છે જેમાં તમામ વિભાગોના જિલ્લા વડાઓ ની ઉપસ્થિતિ અનિવાર્ય ગણાય છે.ત્યારે આ બેઠકમાં પણ જે તે મહિનામાં જિલ્લાની કોઈ કચેરીમાં લાંચની ફરિયાદ નોંધાઇ હોય તો એની ચર્ચા અને તકેદારીના ઉપાયોની ચર્ચા થવી જોઈએ. એ કચેરીના અધિકાર આ બેઠકમાં કિસ્સો કેવી રીતે બન્યો એની વિગતો પ્રસ્તુત કરે અને પછી કલેકટર,જિલ્લા પોલીસ વડા જેવા ઉચ્ચ અધિકારીઓ આવા બનાવોનું પુનરાવર્તન અટકાવવાનું માર્ગદર્શન આપે એ જરૂરી છે. આ સ્થિતિ ચલાવી તો ના જ શકાય.કશુંક કરવું તો પડે જ...
Reporter: News Plus