અમદાવાદ : કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલાની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણથી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું લોક મુખે ચર્ચાયું છે.
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારના ઇશારે ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયું નથી તેવો વિવાદ થઈ રહ્યો છે. બીજી તરફ, ઉશ્કેરી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું પણ નામ ફરિયાદમાં નથી. ટૂંકમાં ભાજપ-કોંગ્રેસના કસૂરવાર નેતાઓએ પક્ષના નિર્દોષ કાર્યકરોને આગળ ધરી તમામ કામ કર્યું છે, જેને લઈને બંને પક્ષોમાં આંતરિક વિરોધની જવાળા ભભૂકી છે. કોંગ્રેસ ભવન પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પથ્થરમારામાં ભાજ૫-કોંગ્રેસના નેતા-કાર્યકરો સામેલ છે.
આ દરમિયાન લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ કાર્યકરોનો જુસ્સો વધારવા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. એ વખતે કાનાફૂસી થઈ રહી હતી કે, કોંગ્રેસના નેતાઓનો જ ભાજપ સાથેના ઘરોબો છે અને એટલે જ રાહુલ ગાંધીની શીખામણ જાણે ઝાંપા સુધી હોય છે. સ્પેશિયલ એનઆઇએ કોર્ટની ચાર્જશીટ પછી ચર્ચા થઈ રહી છે કે, કોંગ્રેસના નેતા શૈલેશ પરમારે ભાજપના શહેર પ્રમુખ-ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો મોકલ્યો હતો. તે વીડિયોમાં અમિત શાહના પુત્ર પથ્થરમારો કરતાં સ્પષ્ટ દેખાતા હતાં. કોંગ્રેસના નેતાઓનો આ વીડિયો મોકલવાનો ઇરાદો એ હતો કે, ભાજપ ફરિયાદ નોંધાવે તેમાં તેમનું નામ ન આવે. આમ, ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી હતી. આખરે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોનો મરો થયો છે.
Reporter: News Plus