વડોદરા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ,એક મહિલા કાર્યકરને કાર્યાલયમાં પ્રવેશ ન આપી અપમાન કરાતા હોબાળો મચ્યો...
ભાજપ કાર્યાલય એ કોઈ એક વ્યક્તિની જાગીર નથી...
મહિલા કાર્યકર સાથે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કરીને હડધૂત કરતા જિલ્લા પ્રમુખ અને મહામંત્રી...
ભારતીય જનતા પક્ષમા જેટલું સામાન્ય કાર્યકરનું મહત્વ છે તે કદાચ કોઇ અન્ય પક્ષમાં નથી અને તેથી જ પક્ષના સંગઠનનો વ્યાપ વધ્યો છે. પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હંમેશા મહિલા કાર્યકરોનું માન અને સન્માન જાળવે છે અને તેમને યોગ્ય શિરપાંવ પણ આપે છે. જો કે વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી અને પ્રમુખ પોતાને સુપર પાવર સમજે છે કારણ કે તેમણે એક મહિલા કાર્યકરને જિલ્લા કાર્યાલયમાંથી હડધૂત કરીને નીકળી જવા કહી દીધું હતું. જિલ્લા ભાજપ મહામંત્રી અને પ્રમુખ કદાચ જાણતા નથી કે મહિલા કાર્યકરો અને અન્ય સામાન્ય કાર્યકરો પક્ષના પાયા છે અને જો તેમની સાથે જ આવું ખરાબ વર્તન કરશો તો તેમાં પક્ષને જ નુકશાન થશે.

સોમવારે પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને ગોરધન ઝડફિયા મધ્ય ગુજરાત ઝોનની બેઠક માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવનારહતા. તેમની બેઠક પદાધીકારીઓ સાથે કાર્યાલયના ઉપરના માળે આવેલા કોન્ફરન્સ રુમમાં યોજવાની હતી.. તે જ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં પક્ષની સૂચનાથી અંગદાનના ફોર્મ ભરાવાનું કાર્ય કરતી એક મહિલા કાર્યકર જિલ્લા કાર્યાલય ખાતે પહોંચી હતી. આ મહિલા કાર્યકરને ખ્યાલ ન હતો કે કાર્યાલયમાં રત્નાકરજીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. પણ આ મહિલા કાર્યકર જેવી કાર્યાલયના દરવાજે પહોંચી તો ત્યાં હાજર જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારુ મહિલા કાર્યકરને જોઇને ક્રોધીત થઇ ગયા હતા. તેમણે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કરીને આ મહિલા કાર્યકરને અંદર ન આવવા અને તમે અપેક્ષિત નથી તેમ કહીને જતા રહેવા જણાવ્યું હતું. મહિલા કાર્યકરે કહ્યું કે મને અંદર તો આવવા દો મારે બીજું કામ છે. મારી વાત તો સાંભળો પણ તે સાંભળવા પણ તૈયાર ન હતા.
આમ છતાં મહામંત્રી યોગેશ અધ્યારુએ મહિલા કાર્યકરને કહ્યું હતું કે, આજે તમારુ કોઇ કામ નહીં થાય, તમે અપેક્ષીત નથી અને તેમ કહી આ મહિલા કાર્યકરનું અપમાન કર્યું હતું. આ કાર્યાલય તમામ કાર્યકરનું છે. ત્યારબાદ આ મહિલા કાર્યકર મહિલા મોરચાના કક્ષમાં બેઠા હતા ત્યારે જિલ્લા પ્રમુખ સતિશ નિશાળીયા ત્યાં આવ્યા હતા અને તમે લોકો અપેક્ષીત નથી, જતા રહો તેમ જણાવી ખરાબ વર્તન કર્યું હતું. જો કે મહિલા કાર્યકરે કહ્યું કે, જ્યારે તમારે જરુર હોય ત્યારે અમે બધા કાર્યકરો તમે બોલાવો ત્યાં આવી જઇએ છીએ. પક્ષના તમામ કાર્યક્રમોમાં આવી જઇએ છીએ અને તમે બધાને બોલાવો છો અને આજે અમારી સાથે કેમ આવું વર્તન કરો છો. તે સાંભળીને સતિશ નિશાળીયાની બોલતી બંધ થઇ ગઇ હતી. એક મહિલા કાર્યકરનું માન સન્માન ના જાળવી શકતા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની તોછડાઇગીરીથી હવે જિલ્લા ભાજપના તમામ કાર્યકરો ત્રાસી ગયા છે અને આ મામલે રત્નાકરજી તથા મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆતો કરવાનું મહિલા કાર્યકરોએ નક્કી કર્યું છે.
કાર્યાલય તો મહિલા કાર્યકરનું પિયર છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો અવાર નવાર કહેતા આવ્યા છે કે મહિલા કાર્યકરો માટે તો પક્ષનું કાર્યાલય તેમનું પિયર છે અને વગર રોકટોકે તેઓ ગમે ત્યારે કાર્યાલય પર આવી શકે છે. વડાપ્રધાન મોદી તો સામાન્ય કાર્યકરને પણ હંમેશા માન આપતા રહ્યા છે પણ જિલ્લા કક્ષાના આ નેતાઓ મહિલા કાર્યકરો કે સામાન્ય કાર્યકરોને ગાંઠતા નથી અને જાણે તેમની કોઇ જરુર જ ના હોય તેવું વર્તન કરે છે. નેતાઓ સમજી જાય કે આ કાર્યકરો જ પક્ષનો પાયો છે અને પક્ષની સ્થાપના બાદ આ જ કાર્યકરોની મહેનતથી પક્ષ આજે વટવૃક્ષ બન્યો છે. તેમની સાથે ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન ક્યારેય સાંખી ના લેવાય.
વડાપ્રધાન હંમેશા કહે છે કે કાર્યાલય તો કાર્યકરો માટે મંદિર સમાન...
આ મહિલા કાર્યકરે તો જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને સંભળાવી દીધું હતું કે મારી સાથે આવુ વર્તન કર્યું તો અન્ય સામાન્ય કાર્યકરો સાથે કેવું વર્તન કરતા હશો. આ ઘટનાથી દરેક કાર્યકર જિલ્લાની નેતાગીરી સામે રોષ પ્રગટ કરી રહ્યો છે. ભાજપ કાર્યાલય કોઇ એક વ્યક્તિની જાગીર નથી. વડાપ્રધાન હંમેશા કહે છે કે કાર્યાલય તો કાર્યકરો માટે મંદિર સમાન હોય છે. તો પછી જિલ્લા અને શહેર કક્ષાના નેતાઓએ સમજી લેવું જોઇએ કે કાર્યાલયના દરવાજા સામાન્ય કાર્યકર માટે 24 કલાક ખુલ્લા રહેવા જોઇએ.
જ્યારે કાર્યક્રમો કરવાના હોય ત્યારે સામેથી બોલાવાય છે...
જ્યારે કોઇ કાર્યક્રમો કરવાના હોય ત્યારે આ જ પ્રમુખ અને મહામંત્રી તમામ કાર્યકરોને કાર્યક્રમમાં આવવા માટે દબાણ કરે છે. મહિલા કાર્યકરોને પણ અન્ય મહિલાઓ સાથે કાર્યક્રમમાં આવવા દબાણ કરે છે પણ જ્યારે મહિલા કાર્યકર પક્ષના કાર્યાલયમાં જાય ત્યારે કોઇ ખાસ બેઠક ચાલતી હોય તો તમે અપેક્ષીત નથી જતા રહો તેમ કહીને હડધૂત કરે છે. ગઇ કાલે આ જે બનાવ બન્યો તેમાં તો રત્નાકરજીની બેઠક કાર્યાલયના ઉપરના માળે કોન્ફરન્સ રુમમાં ચાલતી હતી અને આ મહિલા કાર્યકરો તો નીચે હતા અને નીચેથી જ પોતાનું કામ પૂર્ણ કરીને જતી રહેવાની હતી છતાં કાર્યાલય એ પોતાની જાગીર હોય તેમ સતિશ નિશાળીયા અને યોગેશ અધ્યારુએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
Reporter: admin