વિશ્વામિત્રી નદીમાં અટલાદરા STP પ્લાન્ટમાંથી અનટ્રીટેડ પાણી છોડાતું હોવાનો કોર્પોરેટરનો આરોપ ખોટો

એક તરફ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે ઉંડી, પહોળી અને શુધ્ધ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં અટલાદરા STP પ્લાન્ટમાંથી અનટ્રીટેડ પાણી છોડી ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવાઇ રહ્યું હોવાના ભાજપના કોર્પોરેટરે કરેલો આક્ષેપ ખોટો સાબિત થયો છે. STP વિભાગ દ્વારા નદીના પાણીના સેમ્પલોનો ટેસ્ટ કરાવવામાં આવતા પાણી દૂષિત ન હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે.તાજેતરમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, અટલાદરા સુએઝ પપિંગ સ્ટેશનમાંથી અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમણે કોર્પોરેશનના વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પણ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, અટલાદરા સુએઝ પપિંગ સ્ટેશનમાંથી રોજનું 50થી 60 એમએલડી ફીણવાળું દુષિત અને અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.ભાજપા કાઉન્સિલરના આક્ષેપ બાદ તુરત જ સુએઝ વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારે અટલાદરા STPમાંથી છોડાતા અને નદીમાં વહેતા અલગ-અલગ પાણીના સેમ્પલ લઇ પાલિકાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. જેના પ્રાથમિક રિપોર્ટમાં STPમાંથી છોડવામાં આવતું પાણી નિયમ મુજબ ટ્રીટમેન્ટ કરીને જ છોડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે અટલાદરા STP વિભાગના અધિકારી કૌશિક પરમારે જણાવ્યું હતું કે, આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરેલું પાણીજ છોડવામાં આવી રહ્યું છે. ફીણવાળુ પાણી અનટ્રીટ કહી શકાય નહીં, છતાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્લાન્ટની લેબોરેટરીમાં રોજેરોજ ટેસ્ટ કરવામાં આવે છે અને પ્રતિ પંદર દિવસે પાલિકાની લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે.
એથી વધારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. અટલાદરા ખાતે 43-43 MLDના બે STP પ્લાન્ટ જુની ટેકનોલોજીથી સંચાલિત છે. નદીમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલોના પ્રાથમિક રિપોર્ટમાં પ્લાન્ટ નંબર 1માં TSS (ટોટલ સસ્પેન્ડેડ સોલિડ) 24 આવ્યું છે. પ્લાન્ટ 2માં TSS 20 આવ્યું છે, જે TSS 30 કરતાં ઓછું હોવું જોઇએ. જ્યારે પ્લાન્ટ 1માં COD (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) 78 આવ્યું છે. તો પ્લાન્ટ 2માં COD 72 આવ્યું છે, જે 100થી અંદર છે. આમ બંને પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરેલું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત કુલ 12 STP પ્લાન્ટ કાર્યરત છે. વધુ એક 13મો પ્લાન્ટ ગાજરાવાડી ખાતે 120 MLDનો બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. પાલિકાના જે હયાત પ્લાન્ટ છે, તેમાં વેમાલી 13 MLD, સયાજી ગાર્ડન 16 MLD, રાજીવ નગર 78 MLD, ભાયલી 45 MLD, છાણી 50 MLD, કપુરાઇ 60 MLD, અટલાદરામાં 43-43 MLDના બે અને 84 MLDનો એક, તરસાલી 100 MLDનો એક પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટો પૈકી 5 પ્લાન્ટ જુની ટેકનોલોજીના છે. પાલિકા દ્વારા એક પછી એક પ્લાન્ટ ગાઇડ લાઇન મુજબ નવી ટેકનોલોજી પ્રમાણે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
પાણીનો ફાયનલ રિપોર્ટ એક બે દિવસમાં આવશે...
પાણીનો ફાયનલ રિપોર્ટ એક બે દિવસમાં આવશે પણ પ્રાથમિક રીપોર્ટ જે આવ્યો છે તેમાં સીઓડી લેવલ તથા પીએચ અને ટીએસસ માપદંડ મુજબના છે જેથી પાણી પ્રદૂષીત નથી.
કૌશિક પરમાર, અધિકારી
Reporter: admin