દેશમાં ઓગસ્ટ 2026 દરમિયાન ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કલેક્શન ₹1,99,853 કરોડ નોંધાયું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં થયેલા ₹1,74,116 કરોડના કલેક્શનની સરખામણીએ આ વખતે GST આવકમાં 14.8 ટકાનો વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રોવિઝનલ આંકડામાં આ માહિતી સામે આવી છે.
ઓગસ્ટમાં GST કલેક્શન લગભગ ₹2 લાખ કરોડ સુધી પહોંચવું દેશની આર્થિક પ્રવૃત્તિ અને વપરાશમાં મજબૂતીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, જુલાઈ 2026માં થયેલા ₹2.11 લાખ કરોડના કલેક્શનની સરખામણીએ ઓગસ્ટની આવક ઓછી રહી છે.
આંકડા અનુસાર, સ્થાનિક વ્યવહારોમાંથી GST આવકમાં 9.3 ટકાનો વધારો થયો છે, જ્યારે આયાતમાંથી મળતી આવકમાં લગભગ 29 ટકાનો વધારો નોંધાયો છે. આયાતમાંથી GST આવક ₹62,604 કરોડ રહી હતી.
નિષ્ણાતોના મતે, GST કલેક્શનમાં સતત વૃદ્ધિથી દેશમાં વેપાર, વપરાશ અને કર અનુપાલનમાં સુધારાના સંકેતો મળે છે. ઓગસ્ટમાં સતત ત્રીજા મહિને GST આવકમાં ડબલ-ડિજિટ વૃદ્ધિ નોંધાઈ છે.
Reporter: admin







