News Portal...

Breaking News :

હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં કથ્થઈ રંગના કેટલાક સાપ જોવા મળ્યા

2024-10-23 09:58:23
હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં કથ્થઈ રંગના કેટલાક સાપ જોવા મળ્યા


નૈનિતાલ : ભારત, જર્મની અને યુ.કે.ના સંશોધકોની ટીમ હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ફરી રહી હતી ત્યારે તેમને કાચા રસ્તા પર કથ્થઈ રંગના કેટલાક સાપ જોવા મળ્યા હતા. 


સરિસૃપોના નિષ્ણાત એવા સંશોધક એ સાપને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે એમણે અગાઉ ક્યારેય એવા સાપ જોયા નહોતા. આ ઘટના આજકાલમાં નહીં, વર્ષ 2020માં બની હતી, પણ એ સાપ વિશે પૂરું સંશોધન કરવામાં આટલા વર્ષ લાગ્યા. તેના ડીએનએ પૃથ્થકરણ અને સાપની અન્ય પ્રજાતિઓ સાથે તેની બરાબર સરખામણી કર્યા બાદ સાપની આ નવી પ્રજાતિ વિશેનો અભ્યાસ લેખ સોમવારે ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ નામના જર્નલમાં પ્રકાશિત થયો હતો. સાપને ‘એન્ગ્યુઇક્યુલસ ડિકેપ્રિઓઇ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘એન્ગ્યુઇક્યુલસ’ એ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'નાનો સાપ' થાય છે.આ વિશાળ પૃથ્વી પર જીવ જંતુનું એટલી હદે વૈવિધ્ય છે કે છાશવારે કોઈને કોઈ નવી પ્રજાતિની ભાળ મળતી જ રહે છે. 


એમાં તાજો ઉમેરો છે હિમાલયમાં મળી આવેલો એક સાપ, જેનું નામકરણ અમેરિકન એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયો પરથી કરવામાં આવ્યું છે. સરેરાશ 22 ઈંચની લંબાઈ ધરાવતો આ સાપ ‘નાના કદના સાપ’ની કેટેગરીમાં મુકાયો છે. કથ્થઈ રંગના સાપની ખોપરી મજબૂત હોય છે. તેના માથાની આસપાસ ઘેરા બદામી રંગના નાના-નાના ટપકાં હોય છે. આ પ્રજાતિ મહદઅંશે દરિયાની સપાટીથી 6,000 ફૂટની ઊંચાઈએ રહે છે.આ સાપ આક્રમક નથી હોતા. તેનું એક લક્ષણ એ છે કે આસપાસ જોખમ છે એવું લાગતાં તે ગતિહીન થઈ જાય છે અને જ્યાં હોય ત્યાં જ સ્થિર પડ્યા રહે છે. જ્યાં સુધી તેને પકડવાની કોશિશ ન કરવામાં આવે ત્યાં સુધી તે ડંખ મારવાનો પ્રયાસ નથી કરતા. આ સાપ હિમાચલ પ્રદેશના ચંબા અને કુલુ જેવા વિસ્તારમાં જોવા મળે છે. એ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલ અને નેપાળના ચિતવન નેશનલ પાર્કમાં પણ તેમની હાજરી જોવા મળી છે.

Reporter: admin

Related Post