News Portal...

Breaking News :

મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે: સુપ્રીમ કોર્ટ

2024-10-02 09:58:29
મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે: સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી : બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. 


ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે.  મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. 


ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય. સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.

Reporter: admin

Related Post