વડોદરા એર ફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (IAF) દ્વારા IAF ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને સ્વદેશી ટેકનોલોજી સાથે સાંકળવાનો તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં જાહેર-ખાનગી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો.
કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સરકારી અને ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME એકમો તેમજ વિવિધ સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંદાજે 200થી વધુ કંપનીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.
આ પ્રસંગે ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અદ્યતન સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ ઉદ્યોગજગતને ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતો અંગે માહિતગાર કર્યા હતા તેમજ સંયુક્ત સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસમાં સહયોગ વધારવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતીય કંપનીઓના વધતા યોગદાન પર ભાર મૂકાયો હતો. સ્થાનિક ઉદ્યોગો દ્વારા વિકસાવવામાં આવતી અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપી દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર અને ટેકનોલોજીકલ રીતે સશક્ત બનાવવાના પ્રયાસોને વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એર કોમોડોર જી. ડી. સિંગે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં 200થી વધુ ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સે ભાગ લીધો હતો અને તેમને વાયુસેનાની વાસ્તવિક કામગીરી, મેઇન્ટેનન્સ, એડમિનિસ્ટ્રેશન અને સુરક્ષા સંબંધિત પડકારોથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ઉદ્યોગો વાયુસેનાની કામગીરીને નજીકથી સમજી શકશે તો 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થતી પ્રોડક્ટ્સ વધુ અસરકારક અને વાયુસેનાની જરૂરિયાતોને અનુરૂપ બની શકશે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના 'મેક' પ્રોગ્રામ, iDEX, રેવન્યુ પ્રોગ્રામ અને TDF જેવી યોજનાઓ હેઠળ વિકસાવવામાં આવતી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગોને વાયુસેનાની જરૂરિયાતો સમજાવવી જરૂરી છે.
એર કોમોડોરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ભારતીય વાયુસેના અને સ્થાનિક ઉદ્યોગો મળીને 180થી વધુ સંશોધન અને વિકાસ (R&D) પ્રોજેક્ટ્સ પર વિવિધ તબક્કામાં કાર્ય કરી રહ્યા છે. આ પ્રતિસાદ અત્યંત પ્રોત્સાહક હોવાનું જણાવતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ઉદ્યોગો વાયુસેનાની ભાવિ જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય વાયુસેનાએ વર્ષ 2025માં આગામી 15 વર્ષ માટેનો 'ટેકનોલોજી પર્સ્પેક્ટિવ કેપેબિલિટી રોડમેપ' જાહેર કર્યો છે. ઉપરાંત, વાયુસેના સમયાંતરે પોતાના કોમ્પ્રિહેન્સિવ કમ્પેન્ડિયમ્સ તેમજ વિવિધ જરૂરિયાતોની વિગતો મેક ઇન ઇન્ડિયા, DIO (iDEX) અને DRDO-TDFના પોર્ટલ પર નિયમિત અપડેટ કરતી રહે છે.
Reporter: admin







