અમદાવાદ રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ચોમાસાની શરૂઆત થતાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે.
ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઇ છે.ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે.
નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPH ના 4 અને CHPH નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બુધવારે (18 જૂન) 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે.
Reporter: admin