વડોદરા શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
રોગચાળા અટકાયત માટે શહેર-જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે રહી નાગરિકોના આરોગ્યની દરકાર કરી રહી છે. આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦ અને વડોદરા મહાનગરપાલિકાની ૬૭ ટીમ સહિત કુલ ૮૭ ટીમો આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે ૨૦૦ ટીમ કાર્યરત છે.અત્યાર સુધીમાં આ ટીમો દ્વારા ૪૮,૫૦૦ ઘરોની તપાસ કરવામાં આવી છે.
૧૦ હજાર ઉપરાંત ઘરોમાં ફોગીંગ, ૩૦ હજારથી વધારે ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ ૬૫૦૦ થી વધારે ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવા સહિત ૭૧૯ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. આ સાથે જ આશ્રયસ્થાનોમાં આશરો લીધેલા ૧૦ હજાર ઉપરાંત નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા સાથે ૧૬,૧૫૩ ક્લોરીન ગોળી અને ૪૮૩૮ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય અને જિલ્લાનું આરોગ્ય તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્યની દરકાર કરી રહ્યું છે. જરૂરી મેડીકલ સુવિધાઓ સાથે દવાઓ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: admin