અમદાવાદ: કુલીનચંદ્ર યાજ્ઞિક હવે આપણી વચ્ચે રહ્યા નથી. ઘણાના સ્નાતક પ્રમાણપત્ર ઉપર જેમની સહી છે તેવા કુલીનચંદ્ર યાજ્ઞિકે 97 વર્ષે નડીયાદ ખાતે દેહ છોડ્યો છે.
કુલીનચંદ્ર યાજ્ઞિક સંસ્કૃતના વિદ્વાન હતા. કલેક્ટર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ સિવાયની એમની આ વિશેષતા હતી. ગુજરાત સમાચાર અને અખંડ આનંદમાં સંસ્કૃત શ્લોક અર્થ સાથે લખતા હતા. એમનું વહીવટની વાતો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના વિશે લખેલાં પુસ્તકો વાંચવા જેવાં છે. કુલીનચંદ્ર યાજ્ઞિક 1985માં રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કાર્યરત હતા. ત્યારે તત્કાલીન સરકારે તેમને ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી ઉભી કરવાની કામગીરી સોંપી હતી. જે સંપૂર્ણ થતા 1986થી 1992 સુધીની બે ટર્મ દરમ્યાન કુલીનચંદ્ર યાજ્ઞિકને તેના પ્રથમ વાઇસ ચાન્સેલર બનાવ્યા હતા.
કુલીનચંદ્ર યાજ્ઞિકે પાટણમાં આ યુનિવર્સિટી ઉભી કરવા માટે જમીન સંપાદનથી માંડીને ડિપાર્ટમેન્ટો ઉભા કરવા, યુનિવર્સિટીના મુખપત્ર અને પ્રતિક ચિહ્નો બનાવવા તથા ઉચ્ચ શિક્ષણમાં મોંઘેરી લોકચાહના મેળવવાના યાદગાર કાર્યો કર્યા છે. જ્યાં સુધી પાટણમાં યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી લાંબો સમય રાંધેલું ભોજન નહીં ખાવાની બાધા પણ તેમને લીધી હતી. તેઓ 1951થી સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે હતા. ત્યારબાદ 1973થી આઇએએસ કક્ષામાં નિયુક્ત થયા હતા. અને રાજ્યના ગવર્નરના સચિવ, મુખ્યમંત્રીના અગ્રસચિવ, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી તથા શિક્ષણ સેક્રેટરી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી ચૂક્યા છે. વળી ગુજરાતમાં ડાંગ, ભરુચ અને વડોદરા જિલ્લામાં સફળ કલેક્ટર પણ રહી ચૂક્યા છે.
Reporter: admin