પૂર્વ ઝોનમાં રહેતા મેયર,ચેરમેન,પૂર્વ ચેરમેનનું નાક કપાયું.
કોર્પોરેટર આશિષ જોશીની લડાઈ રંગ લાવી. પોતાના જ પક્ષના હોદ્દેદારોની સામે પંગો લઈને કોર્પોરેટરે પૂર્વ પટ્ટીની સોસાયટીઓને વધુ પાણી મળી રહે તેવી ગોઠવણ કરી આપી
પાલિકામાં બોલે એના બોર વેચાય.હોદ્દેદારો સાથે પંગો પણ લેવો પણ પડે. કોર્પોરેટરને પોતાનાં વિસ્તારની રજૂઆત માટે કોઈ પણ ભોગે સંગઠન રોકી શકે નહી.બીજા કોર્પોરેટરો પણ આશિષ જોષી પાસે શીખ લે.

શહેરના પૂર્વ વિસ્તારને પાણી વગર ટળવળતું રાખવામાં કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધીકારીઓ તથા કોન્ટ્રાક્ટર તથા અતાપીના સંજય શાહનો હાથ હોવાનો સનસનીખેજ આરોપ કોર્પોરેટર આશિષ જોશીએ લગાવ્યો હતો. આ મામલે જ્યારે આશિષ જોશીએ સંકલનમાં પણ મુદ્દો ઉઠાવ્યો ત્યારે કહેવાયું હતું કે આવતીકાલથી કામ શરુ થઇ જશે પણ કામ શરુ થયું ન હતું. ગુજરાતની અસ્મિતાએ રવિવારના અંકમાં પૂર્વ વિસ્તારની આપવીતિને વર્ણવતો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ સફાળા જાગેલા આશિષ શાહે રવિવાર સવારથી અતાપીમાં પાણીની લાઇન નાખવાનું કામ શરુ કરાવ્યું હતું. જો કે અતાપીમાં ઝડપથી કામ પૂર્ણ થશે તો જ લોકોને ચોમાસા પહેલા લાભ મળી શકે છે. અતાપીમાં કામ પૂર્ણ થઇ જાય ત્યાર પછી કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠીયાએ જલ્દીથી પોતાનું સરદાર એસ્ટેટ સુધીની લાઇન નાખવાનું કામ પૂર્ણ કરવું પડશે. અતાપીના સંજયની આડોડાઇના કારણે પૂર્વ વિસ્તારની ટાંકીઓમાં પાણીની જબરદસ્ત ઘટ પડી રહી છે. જેથી પૂર્વ વિસ્તાર પાણી વગર ટળવળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠીયાની ઘોર બેદરકારીના કારણે પૂર્વ વિસ્તારના લોકો 4 વર્ષથી પાણી વગર ટળવળી રહ્યા છે તો અતાપીના સંજય શાહે પણ પીપીપી મોડલની પ્રીમાઇસીસમાં પાણીની લાઇન નહી નાંખવા દઇને લોકોને પાણી વગરના રાખ્યા છે. તાજેતરમાં કોર્પોરેટર આશિષ જોશીએ ચોંકાવનારો ખુલાસો કરતાં આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વિસ્તારને નિમેટા શુદ્ધીકરણ પ્લાન્ટમાંથી ગાયકવાડી સમયથી ત્રણ લાઇન દ્વારા પાણી પુરુ પાડવામાં આવતું હતું પણ ચાર વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠીયાને આજવાથી પૂર્વ વિસ્તારમાં સરકાર એસ્ટેટ સુધી પાણીની નવી લાઇન નાખવાનું કામ અપાયું હતું.

વેલજી રત્ન સોરઠિયા એવો કોન્ટ્રાક્ટર છે કે જેને 35 વખત નોટિસ અપાઇ છે પણ સ્થાયીએ તેને બ્લેક લિસ્ટ કર્યો ન હતો અને પાણીની આ નવી લાઇન નાખવાનું કામ તેને આપ્યું હતું. વેલજી રત્ન સોરઠીયાએ સમય મર્યાદામાં કામ પણ પુરુ કર્યું નથી, તેણે કોરોના પછી તો પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. વેલજી રત્ન સોરઠીયાને બ્લેક લીસ્ટ તો ના કર્યો પણ ચેરમેને કોઇના દબાણમાં તેને થોડો દંડ કરીને 2 વખત 6 મહિનાનું એક્સટેંશન પણ આપ્યું હતું. આશિષ જોશીએ આરોપ લગાવતા કહ્યું કે વેલજી રત્ન સોરઠીયાએ ચાર વર્ષમાં અત્યાર સુધી માત્ર 70 ટકા જ કામ પુરુ કર્યું છે. કોન્ટ્રાક્ટરે જુની ત્રણ લાઇનમાંથી એક લાઈન ઉખાડી કાઢી હતી અને નવી લાઇન નાખવામાં ઠાગા ઠૈયા કર્યા એટલે પૂર્વ વિસ્તારને જે પાણી મળતું હતું તેમાં ઘટ પડવા માંડી હતી અને આજે સમય એવો છે કે સમગ્ર પૂર્વ વિસ્તારમાં રોજ 600થી વધુ પાણીના ટેન્કરો સપ્લાય કરવા પડે છે. આશિષ જોશીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું કે હવે નવો ફોલ્ટ આવ્યો છે કે નિમેટાથી આજવા સુધી લાઇન પહોંચી પણ હવે આજવા ગાર્ડન ચીરીને કામ કરવાનું છે પણ અતાપીના સંજય શાહે પોતાની પ્રિમાઇસીસીમાંથી લાઇન કાઢાવાની ના પાડી દીધી છે અને તે કાઢવા દેતો નથી કારણ કે તેની ગેરકાયદેસર બિલ્ડીંગ તૂટી શકે છે જેથી તેણે કોર્પોરેશનને કહ્યું કે લાઇન હું મારા ખર્ચે કરી આપીશ પણ દોઢ માસ થઇ ગયો હતો પણ તેણે લાઇન નાખવાનું કામ જ શરુ કર્યું ન હતું.સંજય શાહે કામ લટકાવી દીધું હતું. હવે કોન્ટ્રાક્ટર વેલજીએ પણ કોર્પોરેશન પર ઢોળ્યું છે. અતાપીના સંજય શાહે જે બિલ્ડીંગો બાંધી તે ગેરકાયદેસર છે, તે પાલીકાની જગ્યા પર જ લાઇન નાખવા દેતો ન હતો. પીપીપી મોડલ ઉપર પાલિકાએ જગ્યા આપી છે. આ બંને બનાવમાં આપણા હોદ્દેદાર અને નેતાઓ વામણા પુરવાર થયા. આ 40 મીટર જોડાણ થાય તો પાણીનો સોર્સ વધી જાય તેમ છે અને પૂર્વ વિસ્તારનો પાણીનો કકળાટ ઓછો થઇ જશે.
બોલી બોલીને થાક્યો ત્યારે હવે સદ્બુદ્ધિ આવી.
ઉનાળો પૂરો થવા આવ્યો ત્યારે અતાપીના સંજય શાહે કામ શરુ કર્યું છે. જો આ કામ વહેલી તકે શરુ થયું હોત તો ટાંકીઓમાં પાણીની ઘટ ના પડી હોત. હું બોલી બોલીને થાક્યો પણ 2 મહિના સુધી ગોળ ગોળ ફેરવ્યા હતા. હવે ભગવાને સદ્બુદ્ધી આપી કે ચાલુ કરવાની ફરજ પડી. ઝડપથી કામ પૂર્ણ થાય તો લોકોને ફાયદો થશે કારણ કે આના લીધે જ પૂર્વ વિસ્તારની ટાંકીઓમાં પાણીની ઘટ છે. 20 દિવસમાં કામ પુરુ કરવાની વાત છે પણ 30 દિવસ થઇ જશે અને ત્યાં સુધીમાં ચોમાસુ પણ આવી જશે.
આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin