સંકલિત જીવાત વ્યવસ્થાપન આધારિત ખેતીના વિવિધ વિષયો પર ખેડૂતોને અપાયું માર્ગદર્શન
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ વનસ્પતિ સંરક્ષણ સંગરોધ અને ભંડાર નિર્દેશાલયના ઉપક્રમે તીડ- સહ-સંકલિત જીવાત વ્યવસ્થાપન કેન્દ્ર, વડોદરા દ્વારા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જીવાત નિયંત્રણ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

પાકને જીવાત અને રોગોથી બચાવવા ખેડૂતો રાસાયણિક જંતુનાશકોનો આડેધડ ઉપયોગ અટકાવે તે જરૂરી છે
આ તાલીમ કાર્યક્રમમાં મહિલા ખેડૂત સહિત ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મીઓએ ભાગ લઈ રહ્યા છે. છ અઠવાડિયાના આ કાર્યક્રમમાં એક દિવસ કિસાન ખેત શાળાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ખેડા જિલ્લાના કણજરી ખાતે કિસાન ખેત શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહાયક વનસ્પતિ સંરક્ષણ અધિકારી એમ.એ. મનસૂરી, ડો.બાબુરાવ થોમ્બેરે અને ડો.શાંતિયાએ સંકલિત જીવાત વ્યવસ્થાપન આધારિત ખેતીના વિવિધ વિષયો પર ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી. પાકને જીવાત અને રોગોથી બચાવવા માટે ખેડૂતો રાસાયણિક જંતુનાશકોનો અયોગ્ય અને આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશકોના અવશેષોની સમસ્યા જોવા મળે છે. રાસાયણિક જંતુનાશકો દરેકના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. ખેડૂતો સંકલિત જીવાત વ્યવસ્થાપન આધારિત ખેતી અપનાવીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.

આ ખેડૂત શાળામાં બીજ ઉપચારનો મહત્વ અને પદ્ધતિ, વિવિધ પાકોને અસર કરતી જીવાતો અને રોગોની ઓળખ અને તેમના યોગ્ય પ્રબંધન અને સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જીવાત વ્યવસ્થાપનમાં જૈવિક નિયંત્રણ પ્રણાલીનું મહત્વ સમજાવવા સાથે પાકમાં ખેડૂત મિત્ર કીટક ઓળખવા અને તેમના સંરક્ષણ માટેના પગલાં સૂચવવામાં આવ્યા હતા.પાકમાં જીવાતોના યાંત્રિક નિયંત્રણ માટે, ફેરોમોન ટ્રેપ, ફ્રૂટ ફ્લાય ટ્રેપ, લાઇટ ટ્રેપ, પીળા અને નીલા રંગનું સ્ટીકી ટ્રેપ અને તેમની કાર્યપદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એન.પી.એસ.એસ. એપ દ્વારા ખેડૂતો પાકને અસર કરતી જીવાતો અને રોગો ઓળખી શકે છે અને તેમના નિદાન માટે ઉકેલો મેળવી શકે છે. જંતુનાશકોના સલામત અને વિવેકપૂર્ણ ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ગ્રામ સેવક પંકજકુમાર, વિજય ભાઈ, પુષ્પાબેન, પ્રભાતભાઈ, પ્રગતિશીલ ખેડૂત ગુલાબસિંહ ,બાબુભાઈએ કાર્યક્રમનું સુચારુ આયોજન કર્યું હતું.



Reporter: admin