ભાજપ ૪૦૦ કે પારનું લક્ષ્ય રાખીને લોકસભાના ચુંટણી મેદાનમાં ઉતર્યું છે.મોદી સાહેબ દ્રઢપણે માને છે કે નિશાનચૂક માફ..નહિ માફ નીચું નિશાન.અને ૪૦૦ કે પારનો સંકલ્પ સિદ્ધ કરવાની એમનામાં શક્તિ છે. એમણે લોકસભામાં કહ્યું હતું કે એક અકેલા સબ પે ભારી.આમ તો આ વાક્ય વિપક્ષ માટે હતું.પરંતુ ગર્ભિત રીતે એમણે ભાજપને પણ કહી દીધું હતું કે ' એક અકેલા સબ પે ભારી '.
એટલે હવે એવું થયું છે કે વડોદરાથી લઈને આખા ગુજરાતમાં,મોદી હૈ તો મુમકિન હૈ ની ખાત્રીની ધરપત થી ભારતીય જનતા પક્ષના દેવ દુર્લભ કાર્યકરો અને નેતાઓ એ અંદરોઅંદર લડાઇ જમાવી છે.
વડોદરા શહેરમાં રોજેરોજ નગર સેવકો,કાર્યકરો,જૂના વડીલો,નવા નેતાઓ,આ બધા વચ્ચે કોઈનેકોઇ વાદ,વિવાદ અને વિખવાદ ના કિસ્સાઓ છાપાઓમાં મરીમસાલા ભભરાવીને પીરસાય છે.
હદ ત્યારે થાય છે જ્યારે લોકસભા ચુંટણીનું મતદાન ચાલતું હોય ત્યારે બુથ લેવલે જાહેર મા મગજમારી થાય.અને મહિલા નગર સેવક આ વાત લઈને છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય.ઉમેદવાર લોક સંપર્ક માટે વાહનમાં નીકળ્યા હોય અને એમની સાથે વાહનમાં કોણ બેસે એ બાબતે જાહેરમાં હુંસાતુંસી થાય.
પહેલીવાર ગુજરાતમાં એવું બન્યું કે પાછળ થી ઉભા થયેલા વિવાદ વંટોળને લઈને મોવડી મંડળને બે ઉમેદવારો બદલવા પડ્યા.
પક્ષનું કાર્યાલય બનતું હોય એ દરેક માટે આનંદની અને ગૌરવની વાત ગણાય.પરંતુ એક યા બીજુ જૂથ આ સારા કામને કેન્દ્રમાં રાખીને વિવાદ ઊભા કરે.
ખુદ મુખ્યમંત્રીશ્રી એ એકવાર વડોદરામાં જાહેરમાં કહ્યું હતું કે વિખવાદ થાય તો સંવાદ નું વાતાવરણ રચવા મથો.નાની નાની બાબતો લઈને છાપા કે સોશિયલ મીડિયા સુધી ના પહોંચો.
પણ શેઠની શિખામણ ઝાંપા સુધી.કદાચ બધાના મનમાં એક નિરાંત ઘર કરી ગઈ છે કે મોદી સાહેબના કામ અને નામથી મત તો મળવાના છે.ભલે જાહેરમાં ગમે તેટલા વિવાદ કરીએ.
આ ઠીક નથી થઈ રહ્યું.રાજ્યમાં અને અન્ય જિલ્લાઓમાં પણ આવા વિવાદો અને વિખવાદો ની નવાઇ રહી નથી.
ક્યારેક કોઈ પૂર્વ સાંસદ,એમની જગાએ જેને ટિકિટ મળી એ નવા ઉમેદવારની જાહેર બદબોઈ કરે છે.આશ્વાસન એટલું જ કે તેઓ મતદાન પૂરું થઈ ગયા પછી બહાર આવ્યા.
સહકારી સંસ્થાની ચુંટણીના મેંડેટ ને લઈને વિવાદ જાહેરમાં આવ્યો.એક વડીલ નેતાની બોલવામાં ભૂલ થઈ,જીભ લપસી,દિલ થી માફી માંગી,તેમ છતાં વિવાદ રાજ્યવ્યાપી બન્યો,દિવસો સુધી ચાલ્યો.આ કેમ બન્યું એનું આત્મ ચિંતન બોલનાર અને અન્ય બધાએ કરવું જ પડે.
સો વાતની એક વાત,કાર્યકર દેવ દુર્લભ છે તો મોદી સાહેબ,ગૃહ મંત્રી અમિતભાઈ જેવા સમર્થ સુકાનીઓ અતિ દેવ દુર્લભ છે.કોઈ પક્ષને ભાગ્ય થી મળે છે.સંસ્કૃતિ અને સંસ્કારનો હિમાયતી પક્ષ છે.ત્યારે ટોચથી તળિયા સુધી બધાએ પક્ષની છાપ અને લોક હૃદયમાં નેતાઓ અને પક્ષની ચાહના નો વિચાર કરી,વિચાર , વાણી અને વર્તનમાં ગરિમા રાખવી પડશે.જંગલમાં કે ટાપુમાં એકલો રહેતો હોય એ માણસને કોઈ વિવાદ ના હોય.પક્ષ તો પરિવાર છે.વિવાદ થવા સ્વાભાવિક છે.પણ પક્ષના હિતમાં આ વિવાદો નો વિચાર વિમર્શ થી ઉકેલ આવે અને જાહેરમાં કાદવ ના ધોવાય એવું વર્તન સૌ ની જવાબદારી બને છે.એટલું યાદ રહેવું જોઈએ કે આપણે ૧૦ ટકા છે તો ભાજપ ૧૦૦ ટકા છે.મોદી સાહેબ,અમિત ભાઈ જેવા નેતાઓ અને ભાજપ જેવા પક્ષથી તમે ઉજળા છો.ત્યારે તમારાથી પક્ષ ઉજળો દેખાય એવો સંયમ વિચાર, વાણી અને વર્તનમાં દાખવો..
Reporter: News Plus