કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરની ઐતિહાસીક વિરાસત ગમે ત્યારે લુપ્ત થઇ શકે...
શહેરના ઐતિહાસીક વારસા સમા માંડવી ગેટનો એક પિલ્લર ધસી પડ્યો છે. અંદાજે 400 વર્ષ જૂના માંડવી દરવાજાની વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવી છે અને તેના કારણે આજે માંડવી ગેટની હાલત જર્જરીત બની ગઇ છે. ધારાસભ્ય બાળુ શુક્લાએ આ મામલે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને જાણ કરતાં ડે.સુપ્રીટેન્ડેન્ટ એએસઆઇ આજે વડોદરા આવ્યા હતા અને તેમણે માંડવી દરવાજાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે માંડવી દરવાજાની હાલત ખુબ જ ખરાબ છે અને ઠેર ઠેર તિરાડ છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી હાલત છે અને તેથી કાયમી નિરાકરણ માટે કલેક્ટર તથા કોર્પોરેશનની સાથે મળીને જલ્દી કામ શરુ કરવાનો નિર્ણય લેવાશે.

તેમણે કહ્યું કે માંડવી ગેટમાં જેટલી મૂવમેન્ટ વધુ થશે તેટલું વધુ વાઇબ્રેશન આવશે. માંડવી ગેટનું જલ્દી રિસ્ટોરેશન કરવું પડશે અને કન્ઝર્વેશન આર્કિટેક્ટની આમા જરુર પડશે. ધારાસભ્ય બાળુ શુક્લા તથા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી અને માંડવી દરવાજાનું નિરીક્ષણ કર્યું હતું, ચારસો વર્ષ જુના માંડવી દરવાજાનો અગાઉ રખરખાવ થતો હતો પણ વર્ષોથી યોગ્ય રીતે નિભાવણી ના થતી હોવાથી દિનપ્રતિદીન હાલત ખરાબ થઇ રહી છે. અનેહવે તો ગમે ત્યારે તૂટી પડે તેવી આશંકા છે. ત્યારે હવે એકાએક હવે એએસઆઇ, કલેક્ટર અને કોર્પોરેશન સક્રિય બન્યું છે. વાસ્તવમાં માંડવી દરવાજાની નિભાવણીની જવાબદારી કોર્પોરેશનની છે. પણ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરની ઐતિહાસીક વિરાસત ગમે ત્યારે લુપ્ત થઇ શકે છે.

કમિશનર તથા કલેક્ટર સાથે બેઠક યોજીને નિરાકરણ લાવીશું.
માંડવી દરવાજાની વડોદરાની સ્થાપના કાળથી ખાસ ઓળખ છે અને આજે તેમાં કેટલાક પોપડા ઉખડી ગયા છે જેથી તેમણે એએસઆઇના ઉચ્ચ અધિકારીને જાણ કરતા આજે ડેપ્યુટી સુપરીટેન્ડેન્ટ કક્ષાના અધિકારીએ આવીને નિરીક્ષણ કર્યું છે. સાથે કોર્પોરેશનના અધિકારી તથા પ્રાંત અધિકારી પણ આવ્યા હતા. હવે કમિશનર તથા કલેક્ટર સાથે બેઠક યોજીને નિરાકરણ લાવીશું.
બાળુ શુક્લ, ધારાસભ્ય,

Reporter: admin