વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરાના માર્ગદર્શન હેઠળ સ્વામીનારાયણ મંદિર,અટલાદરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત શૈક્ષણિક અને વહીવટી ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાની શાળાના શિક્ષકોને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરમાં ઉપસ્થિત ડો. જ્ઞાન વત્સલ સ્વામીએ 'સા વિદ્યા યા વિમુક્તે' વિષય પર શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડતા રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોનું અનેરું મહત્વ છે તેમ જણાવ્યું હતું. વધુમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય શિક્ષકોના હાથમાં છે. આગામી સમયમાં ડૉ. જ્ઞાન વત્સલ સ્વામીએ દર વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ તથા શૈક્ષણિક અને વહીવટી "ચિંતન શિબિર" યોજવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.ચિંતન શિબિરમાં જિલ્લાના ૧૦૫૭ સરકારી પ્રાથમિક શાળાના ૧૮૫૦ શિક્ષકો અને ૧૫૦ માધ્યમિક શાળાના ૩૦૦ શિક્ષકો ૧૦૦ સીઆરસી કો.ઓર્ડીનેટર, ૮ બીઆરસી કો. ઓર્ડીનેટર આ ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણના મુખ્ય આયામો સમયપાલન, શાળા સ્વચ્છતા, મારી શાળા હરિયાળી શાળા, સો ટકા શાળા નામાંકન, લોક સહયોગ અને લોક ભાગીદારી, દૈનિક નોંધપોથી, શાળા પ્રોફાઈલ, ગુણવત્તા સભર શિક્ષણ જેવા વિષયો ઉપર ઉડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ અને વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી શૈક્ષણિક યોજનાઓ પર બી.આર.સી. ડભોઇ દ્વારા પ્રેઝેન્ટેશનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા વડોદરા દ્વારા મારી શાળા હરિયાળી શાળા અને ઇકો ક્લબ વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વધુમાં દરેક શાળાઓમાં ફાયર સેફટી બાબતે ફાયર NOC મેળવવી, સેલ્ફ ડિકલેરેશન, ચોમાસા પૂર્વે શાળામાં જરૂરી સલામતી રાખવી, શાળામાં કોઈ વીજવાયર ખુલ્લો ન રહે તે જોવું. શાળાના ધાબાઓની સાફ સફાઈ કરવી, જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમમાં ક્ષતીરહિત એન્ટ્રી કરવી, ઓનલાઈન વિદ્યાર્થી અને શિક્ષકોની નિયમિત હાજરી ભરવી અને શાળા બહારના બાળકોને કવર કરવા જેવા વિષયો વિશેષ કાળજી રાખવા મટે જણાવાયું હતું.
બી. એ.પી.એસ. ના સંતો દ્વારા ચાલો આદર્શ બનીયે આ પ્રોજેક્ટ સંદર્ભે તમામ શિક્ષકોને મોબાઈલ એપ્લિકેશન વિશે જાણકારી આપી હતી. શાળામાં બાળકો બાળપણથી જ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ જીવનમાં આત્મસાત થાય તે માટે ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિવિધ વિડીઓ મહિનામાં એકવાર શાળામાં બતાવવા માટે ૪૫ મિનીટ ફાળવવા માટે પણ અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે શિબિરમાં બી. એ .પી.એસ. દ્વારા ઉપસ્થિત દરેક શિક્ષકોને પ્રસાદી રૂપે છોડ આપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં મારી શાળા ,હરિયાળી શાળા અંતર્ગત આગામી તા.૧૫મી ઓગસ્ટ સુધી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૫ લાખથી વધુ છોડનું રોપણ કરવા માટે ઉપસ્થિત તમામ શિક્ષકો સંકલ્પબદ્ધ થયા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ શ્રી નીલેશભાઈ પુરાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડે, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હેમંતભાઈ માછી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વડોદરાના પ્રમુખ-મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ-મંત્રીઓ, ઉત્કર્ષ મંડળના પ્રમુખ-મંત્રી, સ્વામીનારાયણ મંદિરના સંતો અને શિક્ષકગણ ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Reporter: News Plus