મુંબઈ: બોલીવૂડને હચમચાવી મૂકતી બાન્દ્રામાં બનેલી ઘટનામાં ફ્લૅટમાં ઘૂસેલા હુમલાખોરે અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરતાં પહેલાં એક કરોડ રૂપિયાની માગણી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
હુમલાખોર સરળતાથી 12મા માળે જઈને પાછો રફુચક્કર થઈ ગયો હોવાથી પૉશ ઈમારતની સુરક્ષાવ્યવસ્થા સામે સવાલ ઊભો થયો હતો. બીજી બાજુ, ફોરેન્સિકની ટીમે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ બાન્દ્રા પશ્ચિમમાં આવેલી સતગુરુ શરણના 11થી 14 માળ સૈફ અલી ખાનના છે અને ઘટના ગુરુવારના મળસકે અઢી વાગ્યાની આસપાસ 12મા માળે બની હતી. આ પ્રકરણે સૈફની નોકરાણીની ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 311, 312, 331(4), 331(6) અને 331(7) હેઠળ ગુનો નોંધ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી બાજુની ઈમારતની દીવાલ કુદાવીને સતગુરુ શરણના કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યો હતો. ડકના એરિયામાંથી તે ઉપલા માળે ગયો હતો અને ત્યાંથી દાદર ચઢીને 12મા માળે પહોંચ્યો હતો. સૈફના પુત્રની રૂમમાંથી બહાર આવેલા આરોપી પર નોકરાણીની નજર પડી હતી. નોકરાણીએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેના હાથ પર છરીનો ઘા ઝીંક્યો હતો.અવાજ સાંભળી દોડી આવેલા સૈફ અલી ખાને બહાદુરીથી આરોપીનો સામનો કર્યો હતો. જોકે આરોપીએ ઉપરાછાપરી છ ઘા ઝીંકતાં સૈફ ગંભીર રીતે ઘવાયો હતો. આ ધમાચકડીમાં તક ઝડપી આરોપી ફરાર થઈ ગયો હતો.
Reporter: admin