પાંચ પોલીસકર્મી સામે ગુનાહિત પગલા લેવામાં આવે તેવી માગ
મૈસુર : કર્ણાટકમાં પત્નીની હત્યા કરવાના જુઠા આરોપો હેઠળ એક પતિને આશરે દોઢ વર્ષ સુધી જેલમાં રહેવુ પડયું હતું,
જોકે બાદમાં ખુલાસો થયો તેની પત્ની તો ખરેખર જીવીત છે. જેને પગલે હવે પતિએ એક જુઠા કેસમાં બે વર્ષ સુધી જેલમાં રાખવા અને જુઠો કેસ બનાવવા બદલ પાંચ કરોડ રૂપિયાનું વળતર આપવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે ક્રિમિનલ કેસ ચલાવવા માગ કરી છે, આ માટે તેણે કર્ણાટક હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. વર્ષ ૨૦૨૧માં કર્ણાટકના કુશલનગર તાલુકમાં બસવનહલ્લી ગામમાં રહેતા કુરૂબારા સુરેશને પત્નીની હત્યાના આરોપો હેઠળ પોલીસ પકડી ગઇ હતી, જે બાદ તેને જેલ મોકલી દેવાયો હતો. સુરેશની પત્ની મલ્લિગે અચાનક ગૂમ થઇ ગઇ હતી જેને પગલે તેના પિતાએ જમાઇ પર હત્યાનો આરોપ લગાવતી ફરિયાદ કરી હતી.
આ દરમિયાન નજીકના જિલ્લામાં એક હાડપિંજર મળ્યું હતું, પોલીસને એવી શંકા હતી કે આ હાડપિંજર સુરેશની પત્નીનું છે, પોલીસે બાદમાં દબાણ કરીને સુરેશ અને તેની માતાને આ હાડપિંજર ગુમ પત્નીનું હોવાની કબૂલાત કરાવી. પરંતુ ડીએનએ ટેસ્ટ નહોતો કરાવ્યો. બાદમાં ૧૮ મહિના સુધી સુરેશને કસ્ટડીમાં રખાયો હતો, જોકે કોર્ટે હાડપિંજરના ડીએનએ ટેસ્ટનો આદેશ આપ્યો તો તે સુરેશની પત્ની ના હોવાનું સામે આવ્યું. બાદમાં સુરેશને જામીન પર છોડાયો હતો. એપ્રીલ ૨૦૨૫માં સુરેશની પત્ની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરતી જોવા મળી હતી, સુરેશના મિત્રએ તેને ઓળખી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરાઇ અને તેને કસ્ટડીમાં લઇને કોર્ટમાં રજુ કરાઇ હતી. અચાનક કોર્ટમાં પત્ની હાજર થતા સૌ કોઇ ચોંકી ઉઠયા હતા અને પોલીસની તપાસ કાર્યવાહી પર સવાલો ઉઠયા હતા. મૈસુરની કોર્ટે બાદમાં સુરેશને સન્માન સાથે છોડી મુક્યો હતો.
Reporter: admin