દિલ્હી : જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે. આ હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.
સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ આ હિંસા માટે ભાજપ સરકાર અને પોલીસ પ્રશાસનને જવાબદાર ઠેરવી રહી છે. આ વચ્ચે હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હિંસા પ્રભાવિત સંભલની મુલાકાતે જશે. અહેવાલો પ્રમાણે રાહુલ ગાંધી ટૂંક સમયમાં સંભલની મુલાકાતે જશે. હવે આ સૂચના મળતા જ પોલીસે હાઈવે પર નાકાબંધી કરી છે. દિલ્હીથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હસનપુર એસડીએમ સુનીતા સિંહ, સીઓ શ્વેતાભ ભાસ્કર અને ઈન્સ્પેક્ટર સુધીર કુમારના નેતૃત્વમાં પોલીસ સ્ટેશને બ્રજઘાટ પોલીસ ચોકીની સામે બેરિયર લગાવીને વાહનોની તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ સ્થાનિક ગુપ્તચર વિભાગ પણ ઘટના પર સતત નજર રાખી રહ્યું છે.
સંભલમાં હિંસા બાદ સ્થિતિ તણાવપૂર્ણ શાંતિમાં ફેરવાઈ ચૂકી છે અને વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાત અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે, 'તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા - જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપનો સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો છે. તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી.
Reporter: admin